નવીદિલ્હી, તા.1પ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાચાર સંસ્થા પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં દુનિયાનાં દેશો સાથે વેપાર સમજૂતીથી લઈને કેન્દ્રીય બજેટ અને સંરક્ષણ ક્ષેત્રને અધિક મજબૂત બનાવવા સુધીનાં મુદ્દે વાત કરી હતી. જેમાં મોદીએ કહ્યું હતું કે, દેશમાં રાજકીય સ્થિરતાનાં કારણે રોકાણકારોનો ભરોસો વચ્યો છે. મજબૂત મેન્યુફેક્ચરીંગ, સર્વિસ અને એમએસએમઈ સેક્ટરનાં હિસાબે જ ભારત 38 દેશો સાથે પોતાની શરતો ઉપર વેપાર સંધિ કરવામાં સક્ષમ રહ્યું છે. તેમણે સંરક્ષણ મુદ્દે કહ્યું હતું કે, સરકાર રક્ષા દળો સાથે મજબૂતીથી ઉભી છે અને તેને સશક્ત બનાવવા માટે દરેક જરૂરી પગલું ઉઠાવશે.
પીએમ
મોદીએ કહ્યું હતું કે, હાલની પરિસ્થિતિઓને અનુરૂપ રક્ષા ક્ષેત્રનું આધુનિકરણ કરવું
સરકારનું કર્તવ્ય છે અને આ કારણે જ રક્ષા બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. દેશમાં આર્થિક
પરિવર્તનના આગામી તબક્કા માટે ખાનગી ક્ષેત્ર ખૂબ જ જરૂરી છે. આ ક્ષેત્રે ફક્ત નફાકારકતા
ઉપર ધ્યાન આપવાને બદલે સંશોધન-વિકાસ, સપ્લાય ચેઇન અને ગુણવત્તામાં ઝડપી રોકાણ કરવું
જોઈએ.
પીએમ
મોદીએ બજેટ વિશે વાત કરતાં કહ્યું હતું કે, આ વર્ષનું બજેટ ભારતના વિકસિત રાષ્ટ્ર બનવાના
સંકલ્પને દર્શાવે છે. તેમણે કહ્યું, આ બજેટ કોઈ મજબૂરીમાં લેવાયેલું નથી પરંતુ તૈયારી
અને પ્રેરણાથી સભર અને સજાગતાની ક્ષણવાળું છે. બજેટ 2026 અનુસાર, સરકારે રક્ષા ખર્ચમાં
મોટો વધારો કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષ માટે કુલ રક્ષા બજેટ 6.81 લાખ કરોડ રૂપિયાથી
વધારીને 7.85 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે, જે અંદાજે 15 ટકા વધારો છે. પ્રધાનમંત્રીએ
કહ્યું કે સરકાર દેશનાં રક્ષા દળોને મજબૂત બનાવવા અને તેમનું સમર્થન કરવા માટે જે કંઈપણ
કરવું પડશે તે કરશે. બદલાતી ભૂ-રાજકીય અને સુરક્ષા પડકારોની વચ્ચે રક્ષા ક્ષેત્રનું
આધુનિકરણ અનિવાર્ય છે, જેથી દેશ દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહી શકે.
આર્થિક
નીતિ અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે મજબૂત ઉત્પાદન ક્ષેત્ર, સેવા ક્ષેત્ર
અને એમએસએમઈના કારણે ભારત 38 દેશો સાથે મુક્ત વેપાર કરારો (એફટીએ) મજબૂત સ્થિતિમાંથી
કરી શક્યું છે. તેમણે જણાવ્યું, એફટીએ એવી રીતે રચાયા છે કે ટેક્સટાઇલ, લેધર, કેમિકલ્સ,
હેન્ડીક્રાફ્ટ્સ, જેમ્સ અને અન્ય ક્ષેત્રોના એમએસએમઈને નવા બજારો સુધી પહોંચ
મળી
શકે.
મહિલાઓની
ભૂમિકા અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારના દરેક નિર્ણયમાં મહિલા કલ્યાણ સર્વોચ્ચ
પ્રાથમિકતા ધરાવે છે. તેમના મુજબ નીતિઓ અને
યોજનાઓના કેન્દ્રમાં મહિલાઓનો વિકાસ છે.
તેમણે
વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિકસિત ભારતના નિર્માણમાં મહિલાઓની ભાગીદારી નિર્ણાયક સાબિત
થશે અને દેશની પ્રગતિનું નેતૃત્વ મહિલાઓ જ કરશે.