બાર લાખથી વધુ ભાવિકોએ બાંધ્યું પૂણ્યનું ભાથું, 3000 કિલો ગુલાબની પાંદડીઓ રવેડી રૂટ ઉપર પાથરવામાં આવી
અંગ
કસરતના હેરતભર્યા દાવ સાથે પ્રથમ વખત ઉતારાઓ વચ્ચેથી રવેડી પસાર થઈ
જૂનાગઢ
તા.15: ગિરનારની ગોદ ભવનાથ તળેટીમાં યોજાયજા મીનીકુભ મહાશિવરાત્રી મેળામાં રાત્રે દિગંબર
સાધુઓની રવેડી, શાહી સ્નાન સાથે મેળો સંપન્ન થયો હતો. આ સાથે તળેટીમાં એકત્ર લાખો ભાવિકો
જુનાગઢ તરફ વળ્યા હતા. આ વર્ષે મેળામાં રેકોર્ડ બ્રેક 12 લાખથી વધુ ભાવિકોએ મેળાની
મોજ માણી હતી.
ભવનાથ
મહાદેવ મંદિર ખાતે મહાવદ નોમ તા.11ના સવારે ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ સાથે પાંચ દિવસીય
મીનીકુંભ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. આ વર્ષે મેળાના પ્રારંભથી જ ભાવિકોની
ભીડ ઉભરાઈ હતી. મેળો આગળ વધતા ભાવિકોની ભીડમાં વધારો થઈ રહ્યો હતો પ્રથમ ચાર દિવસમાં
સાત લાખથી વધુ ભાવિકોએ મેળાની મજા માણી હતી. જ્યારે આજે મહાશિવરાત્રીના દિવસે મેળાના
આકર્ષણરુપ દિગંબર સાધુઓની રવેડીના દર્શન કરવા સવારથી ભાવિકોની ભીડ વધતા જુનાગઢ શહેર
અને તળેટી માર્ગ પર નજર કરો ત્યાં માનવ કિડીયારુ નજરે પડ્યું હતું. ભાવિકોની ભીડ વધતા
વહીવટી તંત્રની સૂચના મુજબ પોલીસે બપોરથી તમામ વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવો
પડ્યો હતો. ભવનાથ તળેટીમાં નજર કરો ત્યાં માનવ દરિયો ઉમટયો હતો.
મેળાના
આકર્ષણ રૂપ દિગંબર સાધુઓની રવેડી માટે બપોરથી રુટ ગોઠવવાની તૈયારીઓ તંત્રએ શરુ કરી
હતી. બેરીકેટ બાંધી રૂટની સફાઈ કરી અંદાજે
3000 કિલો ગુલાબની પાંદડીઓ રવેડી રુટ ઉપર પાથરવામાં
આવી હતી. મોડી સાંજે શ્રી શંભુ પંચ દશનામ જુના અખાડા ખાતેથી વાજતે ગાજતે રવેડીનો પ્રારંભ
થયો હતો. તેમાં સૌપ્રથમ આરાધ્ય દેવ ગણપતિજી બાદમાં ગાયત્રી માતા ત્યારબાદ ગુરુદત્ત
ભગવાનની પાલખી તથા વિવિધ અખાડાઓના પ્રતિકો સાથે મોટી સંખ્યામાં દિગંબર સહિતના સાધુ
સંતો જોડાયા હતા. અંગ કસરતના હેરતભર્યા દાવ સાથે પ્રથમ વખત ઉતારાઓ વચ્ચેથી રવેડી પસાર
થઈ હતી.
મધરાતે મૃગીકુંડમાં સાધુ-સંતોએ ડૂબકી લગાવી શાહી
સ્નાન કરી ભવનાથ મહાદેવનું પૂજન અર્ચન કર્યું
હતુ. આ સાથે મેળો સંપન્ન થયો હતો. આ સાથે મેળામાં ઉમટેલા પાંચેક લાખ ભાવિકોએ
જુનાગઢ ભણી રવાના થયા હતા. પરિણામે શહેરમાં રાતભર ભાવિકોને પોતાના વતન પહોંચાડવા વાહનો
દોડ્યા હતા. આમ મહાશિવરાત્રી મેળો શાંતિમય રીતે સંપન્ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો
હતો