• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

બોટાદના રંગપરમાં નોકરી આપવાની લાલચે યુવાન સાથે રૂપિયા 7.47 લાખની છેતરાપિંડી

બોટાદ,તા.14 : બોટાદ તાલુકાના રંગપર ગામના યુવાન સાથે આરોગ્ય વિભાગમાં ડેટા ઓપરેટરની નોકરી અપાવવાની લાલચ આપી કુલ રૂ.747100ની છેતરાપિંડી કરાયાની ફરિયાદ બોટાદ પોલીસ મથકે નોંધાઈ છે. આરોપીઓએ ચાર વર્ષથી ઓળખાણ વધારી વિશ્વાસ જીત્યા બાદ હપ્તાવાર રકમ ઉઘરાવી હોવાનો આક્ષેપ છે.વધુ મળતી વિગતો અનુસાર ફરિયાદી રાહ્નલભાઈ સુરેશભાઈ ચાવડા (ઉ.વ.31) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ચાર વર્ષ અગાઉ ભદ્રાવડી ખાતે ઓળખાણ થયેલી આશીષભાઈ દાનાભાઈ રાઠોડે પોતે આરોગ્ય ખાતામાં મેડિકલ ઓફિસર હોવાનો દાવો કરી નોકરી અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો. ત્યાર બાદ આશીષભાઈ સાથે કમલભાઈ રાઠોડ, લક્ષ્મીબેન, પ્રભાબેન અને રસીલાબેનએ પણ પરિવાર સાથે આવજાવ કરી નજીકનો સંબંધ બનાવ્યો હતો.તા. 3.4.22 થી તા.27.1.2023 દરમિયાન ફરિયાદી પાસેથી રોકડા રૂ.257500  તથા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.489600 મળી કુલ રૂ.747100 લેવામાં આવ્યા હતા.

વિંછીયા CHC ખાતે ઓર્ડર દેખાડવા અને ફિંગરપ્રિન્ટ લેવા જેવી પ્રક્રિયા કરી વિશ્વાસ વધુ મજબૂત બનાવાયો હતો. પરંતુ લાંબા સમય સુધી નોકરી ન મળતા ફરિયાદીને શંકા જાગી અને તપાસ કરતાં આવી કોઈ જગ્યા જ ન હોવાનું સામે આવ્યું.પૈસા પરત માંગતા આરોપીઓએ ગલાતલા કરી અને એક બીજા પર જવાબદારી ઢોળી દીધી હોવાનો આક્ષેપ છે. અંતે પૈસા પરત ન મળતા ફરિયાદીએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે છેતરાપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક