મોટો નફો અપાવવાની લાલચ આપી લોકો સાથે કરાતી છેતરાપિંડી : પાંચની ધરપકડ
બોટાદ,
તા.14: બોટાદમાં શેરબજારમાં મોટો નફો અપાવવાની લાલચ આપી ઓનલાઈન છેતરાપિંડી કરતી ગેંગનો
બોટાદ ટાઉન પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગઢડા રોડ વિસ્તારમાંથી પાંચ આરોપીની ધરપકડ
કરી કાર્યવાહી હાથ ધરી છે.
શેરબજારમાં
મોટો નફો અપાવવાની લાલચ આપી ઓનલાઈન છેતરાપિંડી કરતા ગેંગના આરોપીઓ સંજય દલાજી ઠાકોર,
વિપુલ વિનુજી ઠાકોર, વિશાલ સરદારજી ઠાકોર, રણજીત અરાવિંદજી ઠાકોર અને કિરણ ઉમેદજી ઝડપી
લેવાયા હતા. આરોપીઓ ‘માર્કેટ પલ્સ’ નામની એપ્લિકેશન દ્વારા લોકોને રોકાણ માટે પ્રેરિત
કરતા હતા. શરૂઆતમાં રોકાણકારોને નફો બતાવી વિશ્વાસ જીતતા અને બાદમાં ખોટી પીડીએફ મોકલી
નુકસાન થયું હોવાનું દર્શાવી સંપર્ક તોડી નાખતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન
તેમજ ડમી સિમકાર્ડ જપ્ત કર્યા છે. બોટાદ ટાઉન પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ
તપાસ એલ.સી.બી. પી આઈ. એમ. એમ. જાડેજાને સોંપી છે. હાલ એલ.સી.બી. દ્વારા ઠગાઈનો સમયગાળો,
ભોગ બનનારાઓની સંખ્યા અને એપની કાર્યપ્રણાલી અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.