અમેરિકા પ્રતિબંધો હટાવે તો ઈરાન સમાધાન કરવા તૈયાર: જો કે યુરેનિયમ સંવર્ધન
અને મિસાઈલ કાર્યક્રમમાં
કોઈ બાંધછોડ નહીં
નવીદિલ્હી,તા.1પ:
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતી વાટાઘાટો મધ્યે
ઈરાને હવે પોતાનાં પરમાણુ કાર્યક્રમ ઉપર સમાધાનનો માર્ગ ખુલ્લો કરી દીધો છે. તેહરાનનું
કહેવું છે કે, તે અમેરિકા સાથે સમજૂતીની દિશામાં આગળ વધવા માટે તૈયાર છે પણ આ તૈયારી
શરતી છે. તેનું કહેવું છે કે, સમજૂતી ફક્ત ત્યારે જ થશે જ્યારે વોશિંગ્ટન તેની ઉપરનાં
પ્રતિબંધો હટાવવા માટે તૈયાર હશે. ઈરાનનાં ઉપવિદેશ મંત્રી માજિદ તખ્ત-રવાંચીએ કહ્યું
હતું કે, હવે સમજૂતીની ઈચ્છા સાબિત કરવાની જવાબદારી અમેરિકાની છે. જો તે ઈમાનદાર હોય
તો અમને ખાતરી છે કે ઈરાન સમજૂતી તરફ આગળ વધશે. જો ઈરાન ઉપરનાં પ્રતિબંધોમાં રાહતનો
પ્રસ્તાવ રાખવામાં આવશે તો તેહરાન પોતાનાં પરમાણુ કાર્યક્રમની સીમાઓ નક્કી કરવા ઉપર
ચર્ચા માટે તૈયાર છે.
ઉલ્લેખનીય
છે કે, ઈરાનનું યુરેનિયમ સંવર્ધન એક મુખ્ય વિવાદાસ્પદ મુદ્દો બનેલો છે. અમેરિકાએ સૌપ્રથમ
તો ઈરાનને યુરેનિયમ સંવર્ધન સંપૂર્ણપણે બંધ કરવા માટે કહ્યું હતું. જેનાં ઉપર તખ્ત
રવાંચીએ કહ્યું છે કે, શૂન્ય સંવર્ધન હવે કોઈ મુદ્દો નથી અને ઈરાનની નજરે આ કોઈ ચર્ચાનો વિષય રહેતો નથી. ઉલ્લેખનીય
છે કે, આ ટ્રમ્પનાં અભિગમની સદંતર વિપરિત છે. ટ્રમ્પે હાલમાં જ કહ્યું હતું કે, તેઓ
ઈરાનમાં કોઈ સંવર્ધન ઈચ્છતા નથી. બીજીબાજુ ઈરાન પરમાણુ અપ્રસાર સંધિને પોતાનાં અધિકારો
ઉપર તરાપનાં રૂપમાં જુએ છે. આ ઉપરાંત ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, તેનો બેલિસ્ટિક
મિસાઈલ કાર્યક્રમ પણ અમેરિકા સાથેની વાટાઘાટનો હિસ્સો નહીં હોય. ઈઝરાયલ તરફથી ભલે દબાણ
કરવામાં આવે પણ જ્યારે ઈઝરાયલ અને અમેરિકાએ અમારા ઉપર હુમલો કર્યો ત્યારે આ મિસાઈલોથી
ઈરાનનું રક્ષણ થયું હતું. ઈરાન પોતાની રક્ષાક્ષમતાથી વંચિત કેવી રીતે હોઈ શકે?