• બુધવાર, 04 માર્ચ, 2026

ગિર સોમનાથ જિલ્લામાં દારૂના 4 દરોડામાં 5.50 લાખનો મુદ્દામાલ જપ્ત જુદા-જુદા દરોડામાં દારૂના જથ્થા સાથે 6 શખસ ઝડપાયા

કોડિનાર, તા.3: ગિર સોમનાથ જિલ્લામાં હોળી અને ધુળેટીના તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત કોડિનાર પોલીસે અલગ-અલગ ચાર દરોડામાં કુલ રૂ.5.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 6 આરોપીની ધરપકડ કરી છે.

કોડીનાર પી.આઈ. એમ.કે. વણારકા અને તેમની ટીમે હાઈ-વે પર સઘન પેટ્રાલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન બાતમીના આધારે પીપળવા પાટિયા, માલગામ પુલ અને વેરાવળ બાયપાસ સહિતના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પીપળવા પાટિયા પાસે સૂત્રાપાડાના જયેશ મહેન્દ્રભાઈ બારડને રૂ.1.52 લાખની દારૂની 122 બોટલ અને કાર સાથે કુલ રૂ.4.07 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. 

જ્યારે દીવના વણાંકબારાના પ્રભાત દેવજી સોલંકી અને ધવલ લાલજી સોલંકીને વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે બાઈક પરથી ઝડપ્યા હતા. આ કેસમાં દારૂ મગાવનાર વેરાવળના અંકિત હીરાભાઈ ડાલકીને પકડવા તજવીજ ચાલુ છે. ઉપરાંત ચોરવાડના રોહિત ભાયાભાઈ વાજા અને અભય દિનેશભાઈ સેવરાને બાઈક પર 33 બીયર ટીન સાથે ઝડપી પાડયા હતા. તેમજ પ્રભાસ પાટણના રાજ મગનભાઈ ચૌહાણને મોપેડ પર 61 બોટલ દારૂ સાથે ઝડપી લેવાયો હતો. પોલીસે આ ચારેય દરોડામાં કુલ રૂ.5,51,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. તહેવારો પહેલા પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક