• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

પોલીસને પોપટ બનાવી પૈસા ખંખેરનાર મોરલો કળા કરતા પકડાયો

પોલીસ ભવનનો ક્લાર્ક હોવાનું જણાવી જિલ્લા ફેર બદલી કરાવી આપવાની લાલચ આપી નાણાં ખંખેરતો હતો

ભાર્ગવ પરીખ 

નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવવાના અનેક કિસ્સા સાંભળ્યા હશે પણ નકલી પોલીસ બની અસલી પોલીસ પાસેથી કોઈ પૈસા પડાવે એવું સાંભળ્યું છે ? જી હા, ગાંધીનગરનો એક ગઠિયો એવો છે કે જે નકલી પોલીસ બની અસલી પોલીસ પાસેથી પૈસા પડાવતો હતો. મૂર્ખ બનેલા પોલીસ કર્મચારીઓ રાતાં પાણીએ રડતા હતા પણ છેવટે પોલીસને ખબર પડતા ગાંધીનગર પોલીસ ભવન પાસેથી દબોચી લીધો છે.

ગાંધીનગરના સેક્ટર 26માં રહેતો જન્મેજયાસિંઘ ઝાલા 12મું પાસ છે. પહેલેથી મેલી મથરાવટીવાળો જન્મેજયાસિંઘ થોડાં વર્ષો પહેલાં સરકારી પરીક્ષા આપવા માટે ગાંધીનગર ભણવા આવતા વિદ્યાર્થીઓનું અંગ્રેજી સારું કરવાનાં નામે ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ ચલાવતો હતો. જો કે થોડા વખતમાં જ તેનો ભાંડો ફૂટી ગયો, એટલે એણે ક્લાસ બંધ કરી નવો ધંધો શરૂ કર્યો. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિદેશ જવા માગતા છોકરાઓને નકલી માર્કશીટ બનાવી આપતો હતો. નકલી માર્કશીટના ધંધામાં કમાયો પણ એક દિવસ પોલીસના હાથે ચઢી ગયો અને જેલની હવા ખાઈને બહાર આવ્યો. 

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ડી.બી. વાળાએ જન્મભૂમિ સાથેની વાતચીતમાં કહ્યું કે, જેલની હવા ખાધા પછી પણ નહીં સુધરેલા જન્મેજયાસિંહ ઝાલાએ પોલીસને ટાર્ગેટ બનાવી હતી. પોલીસ ભવનનો ક્લાર્ક હોવાનું કહી જે નાના પોલીસ કર્મચારીઓને જિલ્લાફેર બદલી કરવવાની લાલચ આપતો હતો અને એની વાતમાં આવી જઈ કેટલાક પોલીસ કર્મચારીઓએ એને ગૂગલ પે, પેટીએમ જેવી એપથી એક પોલીસ સ્ટેશનમાંથી બીજા પોલીસ સ્ટેશનમાં બદલી માટે પૈસા પણ આપ્યા હતા. એક પોલીસ કર્મચારીએ દાગીના વેચીને પૈસા આપ્યા હતા પણ એની બદલી ના થતાં એને સાથી કર્મચારીને વાત કરી હતી અને અમારી પાસે આ ખાનગી રાહે ફરિયાદ આવી હતી. જેથી અમે તપાસ કરતા એને પોલીસભવન પાસેથી પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક