• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

પાલીતાણામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર સૂત્રધાર ઝડપાયો : બે સાગરીત ફરાર

સગીરાને પૈસા-નાસ્તો અપાવવાની લાલચ આપી અવાવરુ સ્થળે લઈ જઈ ત્રણેયે કૃત્ય આચર્યુ’તું

પાલીતાણા, પ : પાલીતાણામાં રહેતા પરિવારની સગીર વયની પુત્રીને પૈસા અને નાસ્તાની લાલચ આપી ત્રણ શખસો બાઈકમાં અપહરણ કરી અવાવરુ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ફરાર થઈ ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો.

પોલીસે ત્રણેય શખસો સામે ગુનો નોંધ્યો હતો અને સૂત્રધાર શખસને ઝડપી લઈ અન્ય બે સાગરીતોની શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, પાલીતાણામાં રહેતા એક પરિવારની સગીરાને નાસ્તો અને પૈસા આપવાની લાલચ આપી જયપાલ સીંધી તેમજ અન્ય બે શખસો બાઈકમાં બેસાડી અપહરણ કરી અવાવરુ સ્થળે લઈ જઈ ડરાવી ધમકાવી ત્રણેય શખસોએ દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી સગીરાને રેલ્વે ફાટક પાસે તરછોડી  ફરાર થઈ ગયા હતા.

આ બનાવ બાદ સગીરા ઘેર પહોંચતા પરિવારજનોએ વિશ્વાસમાં લઈ પુછતાછ કરતા સગીરાએ સઘળી હકકીત જણાવતા પરિવારજનો ચોંકી ઉઠયા હતા અને સગીરાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ પણ દોડી ગયો હતો અને સઘળી હકીકત મેળવી હતી.

આ ઘટના અંગે પોલીસે સગીરાની માતાની ફરિયાદ પરથી પાલીતાણામાં રહેતા જયપાલ સીંધી અને તેના બે સાગરીતો વિરુધ્ધ પોસ્કો, એટ્રોસીટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. દરમિયાન માર્કેટ યાર્ડમાં કામ કરતા ફરાર સૂત્રધાર જયપાલ સીધીને પોલીસે ઝડપી લીધો હતો અને અન્ય બે સાગરીત કોણ કોણ હતા તે સહિતના મામલે તપાસનો ધમધમાટ  શરૂ કર્યે હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક