રૂ.1.91 લાખના ગાંજાના છોડ સાથે
ખેડૂતની ધરપકડ
ભાવનગર, તા.5 : બગદાણાનાં વાઘવદરડા
ગામની સીમમાં વાડીમાં ખેતીની આડમાં ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતને એસઓજીની ટીમે દરોડો
પાડી રૂ.1.91 લાખના ગાંજાના છોડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ એસઓજીનો
સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મહુવા તાલુકાના બગદાણા પંથકનાં વાઘવદરડા ગામના ખેડૂત
જીલુભાઈ ભીખાભાઈ ગોહિલે પોતાની વાડીમાં ખેતીની આડમાં લીલા ગાંજાનું વાવેતર કર્યું હોવાની
ચોક્કસ બાતમી મળતા પોલીસે વાડીમાં દરોડો પાડી ગાંજાનું વાવેતર ઝડપી લીધું હતું.
પોલીસે લીલા ગાંજા છોડ નંગ
10 જેનું વજન 36 કિલો 300 ગ્રામ (કિંમત 1,81,500) તેમજ સૂકો ભેજવાળો ગાંજો વજન 0.980
ગ્રામ (કિંમત રૂ 9800) મળી કુલ રૂ. 1,91,300નો મુદ્દામાલ ઝડપી લઈ ખેડૂત જીલુભાઈ ગોહિલની
ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.