નવીદિલ્હી, તા.3: ભારતના મુખ્ય ન્યાયાધીશ(સીજેઆઈ) સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી
બેન્ચે આજે તામિલનાડુના રાજ્યપાલ આર.એન.રવિને તાત્કાલિક પરત બોલાવવાની માગ કરતી અરજીને
ફગાવી દીધી હતી. આ સાથે જ અદાલતે કહ્યું હતું કે, અમે બંધારણથી બંધાયેલા છીએ અને અરજીને
ખારિજ કરવામાં આવે છે કારણ કે આમાં તથ્યાત્મક ભૂલો જોવા મળે છે.
પોતાની અરજીમાં અરજદારે આરોપ
લગાવ્યો હતો કે, વિધાનસભામાં સંબોધન કર્યા વિના જતા રહીને રાજ્યપાલ રવિએ તામિલનાડુના
લોકોનું અપમાન કર્યું છે. તેના આધારે અરજદારે સુપ્રીમ કોર્ટને ભારતના રાષ્ટ્રપતિના
સચિવ અને અન્ય લોકોને રાજ્યપાલ આર. એન. રવિને તાત્કાલિક પાછા બોલાવવાનો નિર્દેશ આપવાની
માંગ કરી હતી. અરજીની સુનાવણી કરતી વખતે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું હતું
કે, અમે પણ બંધારણથી બંધાયેલા છીએ. અમે આવી માંગણીઓ સ્વીકારી શકતા નથી. અરજી નામંજૂર
કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, તા. 6 જાન્યુઆરીના
રોજ તામિલનાડુના રાજ્યપાલ રવિએ શાસક ડીએમકે ઉપર બંધારણ અને રાષ્ટ્રગીતનો અનાદર કરવાનો
આરોપ લગાવીને પોતાનુ પરંપરાગત સંબોધન આપ્યા વિના વિધાનસભા છોડી દીધી હતી. મુખ્યમંત્રી
એમ. કે. સ્ટાલિને રાજ્યપાલના આ પગલાની આકરી ટીકા કરી હતી અને તેને બાલિશ કૃત્ય ગણાવ્યું
હતું અને તેમના પર રાજ્યના લોકોનું સતત અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.