• શુક્રવાર, 18 જુલાઈ, 2025

યમનમાં ભારતીય નર્સની ફાંસી ટળી

આજે થવાનો હતો અમલ:બંને દેશના ધર્મગુરૂઓએ હાથ ધરી વાતચીત

સના, તા.15 :  યમનમાં મોતની સજા પામનારી કેરળની નર્સ નિમિષા પ્રિયાની સજા હાલમાં ટળી ગઈ છે. તેને આવતીકાલે મૃત્યુદંડ થવાનો હતો. એજન્સીએ સૂત્રોને ટાંકીને આપેલા અહેવાલમાં આમ જણાવવામાં આવ્યું હતું. મીડિયાના અહેવાલ અનુસાર ચળવળકારી જૂથ અને પ્રભાવશાળી ધાર્મિક નેતાઓએ આ મામલામાં હસ્તક્ષેપ કર્યો હતો જે પછી નિમિષા પ્રિયાની મોતની સજા હાલપુરતી સ્થગિત રાખવામાં આવી હતી. આ પહેલાં નિમિષાને બચાવવા માટે રાજદ્વારી સ્તરે પણ અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. એવા પણ અહેવાલ હતા કે પીડિતનો પરિવાર હજુ સુધી ક્ષમાદાન કે બ્લડ મની સ્વીકારવા માટે સહમત થયો નથી. અહેવાલમાં જણાવાયું હતું કે યમનના ચર્ચિત સૂફી વિદ્વાન શેખ હબીબ ઉમર બિન હાફિઝ વાતચીત કરી રહ્યા છે.

વાતચીતમાં યમનના સુપ્રીમ કોર્ટના એક જજ અને મૃતકના ભાઈ પણ જોડાયા હતા. શેખ હબીબને વાતચીત માટે ભારતમાં કંથાપુરમના ગ્રાન્ડ મુફ્તી એ.પી. અબુબકર મુસલિયારે મનાવ્યા હતા. એવું પહેલી વખત બન્યું છે કે જ્યારે પીડિત પરિવારનો કોઈ સભ્ય વાતચીત માટે તૈયાર થયો હોય.

ઇ-પેપરના નવા શુલ્ક