ઓનલાઈન જોડાઈને કરેલી દલીલો બાદ કોર્ટમાં પલટી ગયો નિર્ણય
નવી દિલ્હી,
તા.14 ઃ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી જ થવાની હતી ત્યારે જ એક 19 વર્ષના
છાત્રે ઓનલાઈન જોડાઈને કોર્ટથી 10 મિનિટનો સમય માગ્યો હતો. આ છાત્ર કોઈ વકીલ નહીં પરંતુ નીટ પસાર કરેલો વિદ્યાર્થી
હતો જે ડોક્ટર બનવા ઈચ્છતો હતો. આ છાત્રની દલીલો બાદ મામલો પલટાઈ ગયો હતો અને સર્વોચ્ચ
અદાલતે રાષ્ટ્રીય ચિકિત્સા પંચ (એનએમસી) અને મધ્યપ્રદેશ સરકારને આર્થિક રીતે નબળા
(ઈડબલ્યુએસ)ના યોગ્ય વિદ્યાર્થીઓને એમબીબીએસમાં પ્રોવિઝનલ પ્રવેશ આપવાનો આદેશ કર્યો
હતો.
મીડિયા અહેવાલ મુજબ સર્વોચ્ચ અદાલતે આ નિર્દેશ બંધારણની કલમ
142 હેઠળ વિશેષ સત્તાનો ઉપયોગ કરીને આપ્યો હતો. મધ્યપ્રદેશના જબલપુર નિવાસી 12મી પાસ
અથર્વ ચતુર્વેદીએ બે વખત નીટ પરીક્ષા પસાર કરી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ખાનગી
મેડિકલ કોલેજોમાં ઈડબલ્યુએસ અનામત લાગુ ન કરવાને કારણે તેને બેઠક મળી શકી નથી.
છાત્રએ સુપ્રીમ કોર્ટમાં વિશેષ અનુમતિ અરજી (એસએલપી) દાખલ કરી
હતી અને ઓનલાઈન સુનાવણી દરમ્યાન વકીલ વિના જ ઉપસ્થિત થયો હતો. સીજેઆઈ સમક્ષ ‘મને બસ
10 મિનિટ આપો’ કહીને પોતાની રજૂઆત કરી હતી. રજૂઆત બાદ કોર્ટે રાજ્યના વકીલને કહ્યું
હતું કે જો ખાનગી કોલેજ અનામત નીતિનું પાલન ન કરતી હોય તો તેને બંધ કરી દો, તેને તાળાં
લગાવી દો.