રાજકોટ, તા.19 : હનુમાન મઢી ચોકમાં મુરલીધર ફરસાણ નામે ધંધો કરતા ભુપતભાઈ ગોવીદભાઈ ઠુમ્મર નામના વેપારીએ મનીષ કચરાભાઈ દેત્રોજા, રવિ વાઘેલા, પડધરીના સરપદડ ગામના શૈલેષ સહિતના શખસ વિરુધ્ધ જમીનનો સોદો કરી રૂ.1.90 કરોડની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં ફરિયાદી ભુપતભાઈ ઠુમ્મર સાથે સંપર્કમાં આવેલા મનીષ દેત્રોજા નામનો શખસ દુકાને આવ્યો હતો અને ઘંટેશ્વર પાસે પાંચ એકર જમીન હોવાની વાત કરી હતી અને બાદમાં એક એકરના રૂ.6 કરોડમાં સોદો નકકી કર્યો હતો. છ એકરના રૂ.30 કરોડ આપવાની વાત કરી હતી અને આ રકમ દોઢ વર્ષમાં પુરી કરવાની વાતચીત કરવામાં આવી હતી. બાદમાં મનીષ દેત્રોજા સહતિના શખસોએ વેપારી ભુપતભાઈ પાસેથી રૂ.1.90 કરોડની રકમ લઈ જમીનનું બોગસ સાટાખત બનાવી આપ્યું હતું અને બાદમાં વેપારી ભુપતભાઈ તેના મિત્ર મયુર રાદડીયાની ઓફિસે ગયા હતા ત્યારે વાતચીત દરમિયાન આ જમીનનો સોદો કર્યાના બહાને ઠગાઈ કરવામાં આવી હોવાની જાણ થઈ હતી અને ભુપતભાઈ ઠુમ્મરે મનીષ દેત્રોજા સહિતના શખસોને વાત કરતા ખોટી જમીન વેચી દીધાની વાત કરી એક માસમાં નાણા પરત આપી દેવાની વાત કરી હતી અને બાદમાં નાણા પરત નહી કરતા ઠગાઈ કરવામાં આવી હોવાનું જણાતા ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન પોલીસે સરપદડના શૈલેષ તથા અન્ય એક શખસને ઝડપી લઈ જેલમાં ધકેલી દીધા હતા. દરમિયાન આ પ્રકરણમાં પોલીસે ફરાર મુળ મોરબીના રવાપર રોડ પર સેટેલાઈટ ટાવર ફલેટમાં રહેતા અને હાલમાં સાધુવાસવાણી રોડ પર પાટીદાર ચોકમાં એપલ એપાર્ટમેન્ટમાં રહેતા જમીન મકાનના ધધાર્થી મનીષ અરજણ દેત્રોજા અને મોરબીના નવલખી રોડ પર પરમારનગરમાં રહેતા રવિકુમાર જેરાજ વાઘેલાને ઝડપી લઈ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.