દુનિયામાં
દેશની મજાક બનાવવાનો આરોપ લગાવતા ભાજપ સાંસદ દુબે
નવીદિલ્હી,
તા.4: સોનિયા ગાંધી પછી હવે રાહુલ ગાંધી સામે પણ ભાજપનાં સાંસદે વિશેષાધિકાર ભંગની
કાર્યવાહી માટે નોટિસ લોકસભામાં રજૂ કરી છે.
લોકસભામાં
રાષ્ટ્રપતિનાં અભિભાષણ ઉપર ચર્ચામાં વિપક્ષનાં નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી
દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિવાદ ઘેરાતો જાય છે. રાહુલનાં નિવેદન સબબ ભાજપના સાંસદ
નિશિકાંત દુબે દ્વારા આજે વિશેષાધિકાર હનન માટે નોટિસ રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન
તેમણે રાહુલ ગાંધી ઉપર દેશની મજાક બનાવવાનો આરોપ લગાવ્યો હતો અને લોકસભા અધ્યક્ષ ઓમ
બિરલાને પત્ર લખીને રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર હનનની કાર્યવાહી શરૂ કરવા વિનંતી
કરી છે.
આ પત્રમાં
નિશિકાંત દુબે દ્વારા લખવામાં આવ્યું છે કે, હું તમને અનુરોધ કરું છું કે, રાહુલ સામે
વિશેષાધિકાર ભંગની કાર્યવાહી થવી જોઈએ. રાહુલ નિરંતર બેજવાબદાર વલણની ખાતરી કરાવી રહ્યાં
છે. દુબેએ આગળ કહ્યું છે કે, તેમણે પોતાનાં કાર્યકાળમાં આવા વિપક્ષી નેતા ક્યારેય જોયા
નથી. તેઓ ભારતને દુનિયા સામે કમજોર કરવાની કોશિશ કરી રહ્યાં છે.
અગાઉ
લોકસભામાં બોલતા સાંસદ નિશિકાંત દુબેએ કહ્યુ હતું, ‘િવપક્ષના નેતા એવા હોવા જોઈએ કે
જેને સંસદના કામ વિશે, નિયમો વિશે, દેશ વિશે, દેશના વડાપ્રધાન વિશે, દેશની સ્વતંત્રતા
વિશે સંપૂર્ણ જાણકારી હોય. હું ખૂબ જ દુ:ખ સાથે આ કહું છું કે, મારા ચોથા કાર્યકાળમાં
પ્રથમ વખત હું વિપક્ષના આવા નેતાને જોઈ રહ્યો છું જે વિશ્વમાં ભારતને નબળા પાડવાનો
પ્રયાસ કરી રહ્યા છે. જો રાહુલ ગાંધીમાં હિંમત હોય તો તેમણે પોતાની વાત સાબિત કરવી
જોઈએ, નહીં તો સંસદમાંથી રાજીનામું આપી દેવું જોઈએ.
ઉલ્લેખનીય
છે કે, સોમવારે સંસદમાં પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતના ડેટા
પર ચીનનું નિયંત્રણ છે અને આપણી સરહદમાં પ્રવેશવાની હિંમત પણ કરી રહ્યું છે.