• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

હજી તો અમારો આ ત્રીજો જ કાર્યકાળ છે : મોદી

આધુનિક, સક્ષમ, વિકસિત ભારત બનાવવા અનેક વર્ષ સુધી દેશની સેવામાં રહીશું : રાષ્ટ્રપતિનાં અભિભાષણની ચર્ચાનો જવાબ આપતાં વિપક્ષ ઉપર વડાપ્રધાનની તડાપીટ : રાહુલ, સોનિયા અને કેજરીવાલને આડેહાથ લીધા

નવી દિલ્હી, તા.4: સંસદનાં બજેટસત્રનાં આરંભે રાષ્ટ્રપતિનાં અભિભાષણ માટે આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપતાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સરકારની ઉપલબ્ધીઓ ગણાવવા સાથે વિપક્ષ ઉપર પ્રચંડ હુમલો બોલાવ્યો હતો. આ સાથે જ વિકસિત ભારતનાં સપનાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ તો હજી તેમનો ત્રીજો કાર્યકાળ જ છે. આવું કહીને મોદીએ ભાવિ ચૂંટણીઓમાં પણ ભાજપનાં વિજયનો દાવો કર્યો હતો.

આજે પોતાનાં ભાષણનો આરંભ કરતાં મોદીએ 14મી વખત રાષ્ટ્રપતિનાં અભિભાષણની ચર્ચામાં ભાગ લેવાનો અવસર મળવા બદલ જનતાનો આભાર માન્યો હતો અને પછી વિપક્ષ ઉપર તડાપીટ બોલાવતા પોતાની સરકારનાં કામકાજ અને સિદ્ધિઓ ગણાવી હતી.

કેજરીવાલ ઉપર વ્યંગ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, એનડીએ સરકારનું ધ્યાન જકૂજી ઉપર નહીં બલ્કે દેશની જનતાને પાણીનાં કનેક્શન આપવા ઉપર છે. અમારી સરકારે પાંચ વર્ષમાં 12 કરોડ ઘરોમાં નળનાં જોડાણ આપ્યા છે ત્યારબાદ લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીને નિશાને લેતા કહ્યું હતું કે, જે લોકો ગરીબોની ઝૂંપડીઓમાં પોતાનાં ફોટોસેશન કરાવીને મનોરંજન કરે છે તેમને સંસદમાં ગરીબોનાં હિતની વાત કંટાળાજનક જ લાગશે. આજે સરકારી યોજનાઓનાં માધ્યમથી 2પ કરોડ લોકોએ ગરીબીને હરાવી દીધી છે. મોદીનાં ભાષણ દરમિયાન વિપક્ષ ભારે હંગામો મચાવતો હતો. જો કે મોદીએ તેનાં ઉપર પણ કટાક્ષ કરીને કહ્યું હતું કે, જ્યારે વધુ તાવ ચડી જાય ત્યારે લોકો કંઈપણ બોલવા માંડતા હોય છે.

આગળ મોદીએ કહ્યું હતું કે, આપણે એક એવા વડાપ્રધાન હતાં જેમણે દેશની એક સમસ્યા ઓળખી કાઢીને કહેલું કે, દિલ્હીથી મોકલાતો એક રૂપિયો નીચે પહોંચે ત્યાં સુધીમાં માત્ર 15 પૈસા થઈ જાય છે. અમે આ સમસ્યાનું સમાધાન શોધવા માટે પ્રયાસ કર્યો અને અમારું મોડેલ છે - બચત પણ, વિકાસ પણ. આજે 12 લાખ રૂપિયાની આવક સુધી સંપૂર્ણ કરમુક્તિ છે. મોદીએ આગળ ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોને નિશાને લેતા કહ્યું હતું કે, અગાઉ અખબારોમાં આટલા લાખ કરોડ રૂપિયાનો ગોટાળો જેવા મથાળાં આવતાં હતાં. હવે એક દાયકો થઈ ગયો છે અને દેશનાં લાખો કરોડો રૂપિયા બચીને જનતા જનાર્દનની સેવામાં લાગ્યા છે. તેમણે આગળ ફરીથી કેજરીવાલ ઉપર તીર છોડતાં કહ્યું હતું કે, કેટલાક લોકોનું ધ્યાને સ્ટાઈલિશ શાવર ઉપર છે પણ અમારું ધ્યાને લોકોને પાણી પહોંચાડવા ઉપર છે.

મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિનાં ભાષણની ચર્ચામાં અહીં વિદેશનીતિની વાત પણ થઈ હતી. કેટલાક લોકોને લાગે છે કે, જ્યાં સુધી તે ફોરેન પોલિસી વિશે નથી બોલતા ત્યાં સુધી તે પુખ્ત નથી લાગતા. તેમને લાગે છે કે, ફોરેન પોલિસી તો બોલવું જ જોઈએ, ભલે પછી દેશનું નુકસાન થઈ જાય. જે લોકોને આવું લાગે છે તેમણે ફરગોટન ક્રાઈસીસ પુસ્તક વાંચવું જોઈએ. ભારતનાં પહેલા વડાપ્રધાન પંડિત નહેરુ અને અમેરિકાનાં તત્કાલીન રાષ્ટ્રપતિ કેનેડી વચ્ચે ચર્ચા અને નિર્ણયોનું આમાં વર્ણન છે. ત્યારે વિદેશનીતિનાં નામે શું ખેલ ચાલતા હતાં તે આ પુસ્તકનાં માધ્યમથી બહાર આવી રહ્યું છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પર ત્રાટકતા પ્રધાનમંત્રીએ વધુ એક કટાક્ષ કર્યો હતો કે, કેટલીક પાર્ટીઓ યુવાનોના ભવિષ્ય માટે ‘આપ-દા’ જેવી છે. જે વચનો તો આપે છે પણ પૂરા કરવામાં નથી આવતાં. મોદીએ આગળ કહ્યું હતું કે, આજે કેટલાક લોકો અર્બન નક્સલની ભાષા બોલી રહ્યાં છે. આવા લોકો નથી બંધારણને સમજતા કે નથી રાષ્ટ્રની એકતાની વાત સમજતાં. 7 દાયકાથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બંધારણીય અધિકારોથી વંચિત રખાયા હતા. અમે સંવિધાનની ભાવનાથી જીવીએ છીએ ને મજબૂત નિર્ણયો પણ કરીએ છીએ.

આગળ મોદીએ કહ્યું હતું કે, બંધારણમાં ભેદભાવને અવકાશ નથી. કેટલાક લોકોએ જાતિ વિશે બોલવાને ફેશન બનાવી નાખી છે. 3પ વર્ષથી તમામ પક્ષનાં સાંસદ ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપવાની માગણી કરતા હતાં પણ જે લોકો આની વાત કરી તેમને યાદ પણ કરવામાં નથી આવતાં. અમે આને સંવિધાનિક દરજ્જો આપ્યો છે.

મોદીએ કહ્યું હતું કે, હજી તો આ અમારી ત્રીજી ટર્મ છે. અમે દેશની આવશ્યકતા અનુસાર આધુનિક ભારત, સક્ષમ ભારત, વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ સાકાર કરવા માટે અમે આવનારા અનેક વર્ષ સુધી આમાં લાગેલા રહેવાનાં છીએ.

મોદીએ આગળ સોનિયા ગાંધી ઉપર પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાષ્ટ્રપતિનાં અભિભાષણ પછી એક મહિલા રાષ્ટ્રપતિનું સન્માન ન જાળવી શક્યા પણ તેમને અપમાનિત કરવામાં આવી રહ્યાં છે. રાજકીય હતાશા તો સમજી શકાય પણ આમાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ શા માટે? શું કારણ છે આનું?

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

વવાણિયામાં રોઝડાં મારવા ગયેલા યુવાનોએ મિત્રનો શિકાર કરી નાખ્યો મોરબી-માળિયાના બે શખસની ધરપકડ, બંદૂક -બાઈક કબજે February 05, Wed, 2025