68
નગરપાલિકામાં 196 બોઠક પર તેમજ જૂનાગઢ મનપાની 9 બેઠક પર મતદાન પહેલા જ ભાજપનો વિજય
બાંટવા,
ભચાઉ, જાફરાબાદ અને હાલોલ પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
રાજકોટ,
તા.4: ભાજપે ફરી એકવાર તેના મજબૂત ગઢ ગુજરાતમાં વિપક્ષ પર વિજય મેળવ્યો છે. સ્થાનિક
સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા જ ભાજપે 215 બેઠક બિનહરીફ જીતી છે. રાજ્યમાં ભાજપ
ઉપરાંત કોંગ્રેસ અને આપ ચૂંટણી મેદાનમાં છે ત્યારે ગુજરાતમાં 68 નગરપાલિકાઓમાં 196
બેઠક, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 9 બેઠક, તાલુકા પંચાયતમાં 10 બેઠકની પેટા-ચૂંટણી
બિનહરીફ જીતી છે.
ભારતીય
જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 68 નગરપાલિકામાં કુલ 196 નગરપાલિકાની બેઠકો
ચૂંટણી પહેલા વિજય મેળવ્યો છે, જેમાં 4 નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર બિનહરીફ
થતાં ભચાઉમાં 28માંથી 22 બેઠક, હાલોલમાં 36માંથી 19 બેઠક, જાફરાબાદમાં 28માંથી 16 બેઠકો
તેમજ બાંટવામાં 24માંથી 15 બેઠક પર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય
પ્રાપ્ત કર્યો છે. તેમજ, જૂનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠક અને તાલુકા પંચાયત તેમજ પેટા
ચૂંટણીની 10 બેઠક એમ કુલ મળીને 215 બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય મેળવ્યો
છે.
અમરેલી
જિલ્લામાં ભાજપનું ઓપરેશન જાફરાબાદ સફળ થયું છે. અમરેલીની જાફરાબાદ પાલિકામાં ભાજપનું
શાસન આવશે. જાફરાબાદ પાલિકાની ચૂંટણી પહેલા 16 ઉમેદવાર બિનહરિફ થયા છે. ધારાસભ્ય હીરા
સોલંકીએ ઓપરેશન જાફરાબાદ પાર પાડયું હતું. 28 બેઠક પૈકી ભાજપના 16 ઉમેદવાર બિનહરિફ
જાહેર થયા છે. બિનહરિફ ઉમેદવારોએ ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચી ઉજવણી કરી હતી. ઢોલ-નગારા અને મોંઢા મીઠા કરાવી
ભાજપે ખુશી વ્યક્ત કરી છે. ગત ટર્મમાં આખી જાફરાબાદ પાલિકા બિનહરિફ થઈ હતી.
એવી
જ રીતે પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકામાં ભાજપે સત્તા કબજે કરી છે. ચૂંટણી પહેલા
જ આ નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી છે. હાલોલ નગરપાલિકાના કુલ 9 વોર્ડના 36 બેઠકમાંથી
20 બેઠક બિન હરીફ થઈ જતા ભાજપે ચૂંટણી પહેલા જ હાલોલ પાલિકા કબજે કરી છે. હાલોલ નગરપાલિકાના
અલગ-અલગ વોર્ડમાં થઈને કુલ 20 ઉમેદવાર બિન હરીફ જાહેર થયા છે. પાલિકાના વોર્ડ નંબર
2, 3 અને 5 સંપૂર્ણ બિન હરીફ થયા હતા. હાલોલ નગરપાલિકાની ચૂંટણી યોજાય તે પહેલા ભાજપને
સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ છે. નવ વોર્ડમાં 72 ફોર્મ ભરાયા હતા. જે પૈકી પાંચ ફોર્મ
અમાન્ય થયા જ્યારે 67 ફોર્મ માન્ય રખાયા. 13 ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચતા 14
ઉમેદવાર બિનહરીફ થયા છે.
------------------
સોરઠમાં
હરીફ ઉમેદવારોને હટાવી બેઠકો
બિનહરીફના
કૃત્યને વખોડતી કોંગ્રેસ
આ કૃત્ય
લોકોના મતાધિકાર છીનવી લેનાર છે : જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સીડા
જૂનાગઢ/માણાવદર,
તા.4: જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ લોકરોષ સામે ટકી શકે તેમ
ન હોય તેથી તડજોડની નીતિ અપનાવી હરિફ ઉમેદવારોને હટાવી બેઠકો બિનહરીફ કરાવવાના કૃત્યને
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વી.ટી.સીડાએ વખોડયું છે. જૂનાગઢ મહાનગરપાલિકા તથા બાંટવા શહેર સુધરાઈ ચૂંટણીમાં
ભાજપે તડજોડની નીતિ અપનાવી જૂનાગઢ મનપાની નવ બેઠકો તથા બાંટવા નગરપાલિકામાં દસ બેઠકો
ઉપર કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવી બિનહરીફ કરાવી છે. આ કૃત્ય લોકશાહીને
ખતમ કરનાર તથા લોકોના મતધિકાર છીનવી લેનાર છે. લોકશાહીમાં લોકોને સર્વોપરી માનવામાં
આવે છે પણ ભાજપે ચૂંટણી પહેલા તડજોડની રીતરસમ અપનાવી મહાપાલિકા અને બાંટવા સુધરાઈની
19 બેઠક બિનહરીફ કરાવી લોકશાહીની હત્યા કર્યાનો આક્ષેપ કર્યો છે. લોકોના મતાધિકાર છીનવી
લઈ, પરિણામ મેળવવાનું પગલું જનાદેશ નથી તેમ સીડાએ જણાવ્યું હતું.
------------------
રાણાવાવ
પાલિકામાં કોંગ્રેસે તમામ દસ ઉમેદવારના ફોર્મ પરત ખેંચ્યા !
હવે
ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ખેલાશે જંગ
પોરબંદર,
તા. 4: રાણાવાવ નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે અચાનક જ કોંગ્રેસના
દસ જેટલા ઉમેદવારોએ ભરેલા ફોર્મ પાછા ખેંચી લેતા અનેકવિધ ચર્ચાઓ જાગી હતી. જિલ્લા કોંગ્રેસના
કાર્યકારી પ્રમુખે ફોર્મ પરત ખેંચવા અંગેનું કારણ એવુ જાહેર કર્યું હતું કે રાણાવાવ
નગરપાલિકામાં ભાજપનો પગપેસારો નહી થવા દેવા કોંગ્રેસે તમામ દસ ઉમેદવારના ફોર્મ પરત
ખેંચ્યા છે.
રાણાવાવ
નગરપાલિકાની બહુચર્ચિત અને રસાકસીભરી ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ ખેલાવાનો હતો. ભાજપ,
કોંગ્રેસ અને સમાજવાદીપાર્ટી વચ્ચે ચૂંટણી લડાવાની હતી, પરંતુ ફોર્મ પરત ખેંચવાના અંતિમ
દિવસે અચાનક જ પોરબંદરના રાજકારણમાં પલટો આવ્યો હતો અને રાણાવાવમાંથી કોંગ્રેસના તમામ
દશ ઉમેદવારે ભરેલા ફોર્મ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. જેમાં નર્મદાબેન મકવાણા, વેજાભાઇ
ખુંટી, અશ્વિનભાઇ રામકબીર, વીરેદ્રાસિંહ રાણા, મેરૂ કેશવાલા, રમાબેન રાઠોડ, જયાબેન
ભૂવા, અમીન પડિયાર, અબ્દુલકાદર કાદરી, રફીક સુમરા વગેરેએ ફોર્મ પરત ખેંચી લીધા હતા.
જિલ્લા
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રાજુભાઇ ઓડેદરાએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસ દ્વારા
રાણાવાવ નગરપાલિકાની ચૂંટણી લડવામાં આવે તો મતનું વિભાજન થાય તેમ હતું. ત્યાં સમાજવાદી
પાર્ટી પણ મેદાને છે. તેથી જો કોંગ્રેસ ચૂંટણી લડે તો મતના વિભાજનને કારણે તેનો સીધો
જ ફાયદો ભાજપને થાય તેમ હતો અને અમે ભાજપને ફાયદો થાય તેવું ઇચ્છતા નથી. પ્રદેશના નેતાઓના
માર્ગદર્શન પ્રમાણે ફોર્મ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.