• શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025

ગુજરાતમાં 10 વર્ષમાં 1740238થી વધુ મહિલાને ‘અભયમ્’


 

રાજકોટ જિલ્લામાં 126033થી વધુ કિસ્સામાં મહિલાઓની મદદ કરાઈ

 

રાજકોટ, તા.7

181 અભયમ હેલ્પલાઈન નંબર મહિલાઓ માટે ઢાલ અને શસ્ત્ર બન્નેની ગરજ સારી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં મહિલા હેલ્પલાઈન નંબર 181ને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે અને જરૂરિયાતના સમયે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. પરિણામે આ પહેલ સ્થાનિક મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

વર્ષ ર015માં પ્રારંભ બાદના અત્યાર સુધીના 10 વર્ષ ઉપરાંતનાં  સમય ગાળામાં ગુજરાત રાજ્યમાંથી 1740238 થી વધારે કિસ્સાઓમાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. 181એ અનેક મહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે તેમજ તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસ્ક્યુવાન સાથે કાઉન્સિલરે જઇને 347782 જેટલા કિસ્સાઓમાં જ્યારે રાજકોટ જિલ્લામાં 126033 જેટલા કિસ્સાઓમાં મહિલાને મદદ પુરી પાડી છે. 

 

રાજકોટ જિલ્લામાં અભયમની સ્થિતિ    

-  રાજકોટ જિલ્લામાં કુલ 5  અભયમ 181 રેસ્ક્યૂ વાન ટીમ કાર્યરત છે

-  જેમાંથી રાજકોટ શહેર ખાતે 3 અને રાજકોટ ગ્રામ્યમાં 2 રેસ્ક્યૂ વાન કાર્યરત છે

-  10 વર્ષથી વધુના સમયમાં 181 અભયમ મહિલા હેલ્પ લાઈન દ્વારા રાજકોટ જિલ્લામાં કુલ 126033 જેટલા કિસ્સાઓમાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સૂચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડી છે.

-  તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર 181 અભયમ રેક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ  જઇને 29184 જેટલી મહિલાઓને મદદ પહોંચાડી છે

 

ઘટના સ્થળે દોડી જઈને મદદ

 પાછલા વર્ષની દિવાળીથી આ વર્ષની દિવાળી સુધીના ઓક્ટોબર 2024થી સપ્ટેમ્બર 25માં રાજકોટ શહેરમાં 2055 અને ગ્રામ્યમાં 935 મળી જિલ્લામાં કુલ 2990 જેટલા કિસ્સાઓમાં મહિલાઓને તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ  જઇ ને  સહાય કરી છે. જ્યારે આ આંકડાઓની સરેરાશ પ્રમાણે નવેમ્બર માસના અંત સુધીમાં વધુ એક હજાર જેટલા કિસ્સામાં અભયમ હેલ્પલાઈને મદદ કરી હોવાનું અનુમાન લગાવી શકાય છે.

 

કાઉન્સિલીંગ દ્વારા મદદ

-  પાછલા એક વર્ષમાં કાઉન્સાલિંગ દ્વારા રાજકોટ શહેરમાં 1261 અને રાજકોટ ગ્રામ્યમાં 626 મળી 1887 જેટલા કિસ્સાઓમાં સ્થળ પર જ અભયમ દ્વારા સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

 

આ પ્રકારની કરી છે મદદ

-  821થી વધુ કિસ્સાઓમાં ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિતાને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન,મહિલા સહાયતા કેન્દ્ર,જિલ્લા કાનૂની સેવા સતા મંડળ,ઓ.એસ.સી. વગેરે સંસ્થાઓ સુધી લઇ જઈને ન્યાય અપાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

-  અનેક કિસ્સાઓમાં પીડિતા ઘર વિહોણા કે અજાણ્યા મળી આવેલા હોય તેમને આશ્રયગૃહમાં આશરો અપાવ્યો હતોં

-  બીમારી કે વૃદ્ધાવસ્થા અથવા અન્ય કારણે ઘરેથી ભૂલા પડેલાઓને 181 ટીમના કુશળ કાઉન્સાલિંગ અને સુઝબુઝથી તેઓના પરિવાર સુધી પહોંચાડવાની ઉમદા કામગીરી કરવામાં આવી હતી

 

 

       181 હેલ્પલાઇનની વિશેષતા

-      મહિલાઓ સામે થતી ઘરેલુ કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સૂચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી મહિલાને તાત્કાલિક સહાય આપવી

-      108ની સેવા તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી 24 કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરી

- પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સાલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું. 

-  મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.

 

આ સેવાઓ અપાવે છે અભયમ્

 

       ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સાલિંગ વગેરેની માહિતી, કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યૂની સેવા 

-  સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવી કે મહિલા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સાલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાલ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ, નારી સંરક્ષણ ગ્રુહ વગેરે મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરન્સ દ્વારા સીધું જોડાણ કરવામાં આવે છે.

-  સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે શરૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટે માર્ગદર્શન

 

કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે ?

 

 

-  મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો) 

-  શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ

-  લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો

-  જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો

-  કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી 

-  કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ

-  આર્થિક  ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો 

 

 

8 માર્ચ 2015ના રોજ શરૂ કરાઈ હતી મહિલા હેલ્પલાઈન

 

મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા હેલ્પલાઈનની સુવિધાની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે 8 માર્ચ 2015ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી  ‘181 અભયમ મહિલા હેલ્પલાઈન’ શરૂ કરવામાં આવી હતી.  જેના હેઠળ કુલ 59 રેસ્ક્યૂવાનનો કાફલો 24 બાય 7 મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત રહે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક