• શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025

ગૃહકંકાસે વધુ એક ગૃહિણીનો ભોગ લીધો, પતિએ છરીથી રહેંસી નાંખી


અમદાવાદની યુવતીએ ચાર વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા, નશાની ટેવને લીધે પતિ અવારનવાર મારકૂટ કરતો

ખોખડદળ નજીક તળાવમાં ડૂબી જતાં યુવકનું મૃત્યુ

રાજકોટ, તા.7: શહેરના જામનગર રોડ પર નાગેશ્વરમાં ગૃહકલેશના કારણે ફાયરીંગ કરી પત્નીની હત્યા કરી પતિએ આપઘાત કરી લીધો હતો. આ બનાવના 22 દિવસ બાદ વધુ એક હત્યાનો બનાવ બન્યો હતો. દુધ સાગર રોડ પર આકાશ દીપ સોસાયટીમાં બહેનપણીના ઘરે રહેતી પરિણીતાને ઘરકંકાસના કારણે ભગવતીપરામાં રહેતા પતિએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાસી ગયો હતો.

મળતી વિગત મુજબ ભગવતીપરામાં બોરીચા સોસાયટીમાં રહેતી 27 વર્ષીય નિલેશ્વરી યોગેશ બોરીચા આજે બપોરે દુધ સાગર રોડ પર આકાશદીપ સોસાયટી શેરી નં. 8માં રહેતી તેની બહેનપણી જલ્પાબેનના ઘરે હતી ત્યારે  નિલેશ્વરીનો પતિ યોગેશ અચાનક ધસી આવ્યો હતો અને તેની સાથે ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇ છરીના ઘા ઝીંકી નાસી ગયો હતો. મહિલા લોહીલુહાણ હાલતમાં ઢળી પડતા તેની બહેનપણીએ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. બનાવની જાણ થતા થોરાળા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ.એ.બી. જાડેજા તથા સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક નિલેશ્વરીના પરિવારજનો અમદાવાદ ખાતે રહે છે. તેણે ચાર વર્ષ પહેલા ભગવતીપરામાં બોરીચા સોસાયટીમાં રહેતા યોગેશ બાબુભાઇ બોરીચા સાથે પ્રેમલગ્ન થયા હતા. લગ્ન બાદ તે બોરીચા સોસાયટીમાં પતિ- સાસરીયાઓ સાથે રહેતી હતી પતિને નશો કરવાની ટેવ હોવાથી તે તેની સાથે અવારનવાર ઝઘડો કરી મારકુટ કરતો હતો.

આ ત્રાસથી કંટાળી મૃતક નિલેશ્વરી છેલ્લા 6 દિવસથી દુધ સાગર રોડ પર આકાશદીપ સોસાયટી શેરી નં.8માં રહેતી તેની બહેનપણીના ઘરે રહેતી હતી. આજે બપોરે તેનો પતિ યોગેશ અચાનક ધસી આવી ઝઘડો કરી પત્નીને છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું  ખુલ્યું છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

યુવકનું મૃત્યુ : તળાવમાં ડૂબી જતા 30 વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું છે. ખોખડદળથી પારડી જતા રોડ પર એક તળાવમાં અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. બપોરના આશરે 3-30 વાગ્યે ઇએમટીના વિજયાબેન રાવલે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. જો કે આ યુવકની હજુ સુધી કોઇ ઓળખ થઇ શકી નથી તેમજ યુવક અકસ્માતે તળાવમાં પડી ગયો છે કે તેણે આત્મહત્યા કરી છે કે કોઇએ મારીને ફેંકી દીધો છે તે અંગે આજી ડેમ પોલીસ તપાસ ચલાવી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક