• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

ભોજશાળા ઉપર હિન્દુ, મુસ્લિમ પછી જૈન સમાજનો દાવો

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી: ખોદકામમાં જૈન ધર્મ સંબંધિત મૂર્તિ મળી હોવાનો દાવો

નવીદિલ્હી, તા.2પ: મધ્યપ્રદેશમાં આવેલી ભોજશાળા માટે હિન્દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચેનાં વિવાદમાં હવે જૈન સમાજે પણ ઝૂકાવ્યું છે. જૈન સમાજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને દાવો કર્યો છે કે, ભોજશાળામાં 18પ7માં ખોદકામ દરમિયાન જૈન યક્ષિણી અંબિકાની પ્રતિમા નીકળી હતી. જે હજી પણ બ્રિટિશ મ્યુઝિયમમાં સુરક્ષિત છે.

ઉલ્લેખનીય છે કે, ભોજશાળાનાં વિવાદમાં હિન્દુ અને મુસ્લિમો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અગાઉથી જ બે અરજી દાખલ કરવામાં આવેલી છે. તેમાં હવે જૈન સમુદાયે દાવો કર્યો છે કે, ભોજશાળામાંથી નીકળેલી મૂર્તિ સાથે શિલાલેખ પણ સુરક્ષિત છે. જે અંબિકા દેવીના જૈન ધર્મ સાથે સંબંધનું પ્રમાણ છે. આ મૂર્તિને હિન્દુ સમાજ વાગ્દેવી સરસ્વતી ગણાવી રહ્યો છે. હિન્દુઓનો આ દાવો યથાર્થ કે સત્ય નથી. આ સિવાય ખોદકામ દરમિયાન ત્યાંથી જૈન તીર્થંકરો, દેવી દેવતાઓની મૂર્તિઓ, જૈન તીર્થંકરો સંબંધિત લાંછન, કાચબો, વાનર, શંખ અને જૈન શિલ્પો અને શિલાલેખો પણ મળેલા છે. આ તમામ તર્કો અને પુરાવાઓનાં આધારે ભોજશાળા ઉપર જૈન સમાજનો દાવો ઉચિત છે, તેવું અરજીમાં કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભોજશાળા વાસ્તવમાં મંદિર છે કે મસ્જિદ તેનો વિવાદ લાંબો સમયથી ચાલી રહ્યો છે. મંગળવારે ત્યાં પૂજા કરવામાં આવે છે અને શુક્રવારે નમાઝ પણ અદા થાય છે. હાઇ કોર્ટે આનાં વિવાદમાં પુરાતત્ત્વ સર્વેનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પહેલા 1પમી જુલાઈએ પુરાતત્ત્વ વિભાગ દ્વારા 2 હજાર પાનાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. હાઇ કોર્ટે આ પ્રકરણમાં પક્ષકારોને સુપ્રીમ કોર્ટના નિર્દેશની રાહ જોવા માટે કહ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક