• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

રાષ્ટ્રપતિ ભવનનો દરબાર હોલ હવેથી ગણતંત્ર મંડપ

રાષ્ટ્રપતિ ભવનની યાદીમાં અશોક હોલનું નામ પણ બદલીને અશોક મંડપ કરાયું

નવી દિલ્હી, તા. 25 : રાષ્ટ્રપતિ ભવનમાં જે જગ્યાએ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કરવાના કાર્યક્રમ યોજાય છે, તે સ્થળને હવેથી દરબાર હોલના બદલે ગણતંત્ર મંડપ તરીકે ઓળખાશે તેવું રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયું હતું, તો અશોક હોલનું નામ પણ બદલીને હવે અશોક મંડપ કરી દેવાયું છે. આ મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ખુશી વ્યક્ત કરી હતી.

એક મીડિયા હેવાલ મુજબ, ભવન દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયું હતું કે, ગણતંત્રની અવધારણામાં પ્રાચીનકાળથી જ ભારતીય સમાજની ગહનતાને સામેલ કરે છે, માટે દરબાર હોલનું નામ ‘ગણતંત્ર મંડપ’ યોગ્ય રીતે જ બદલાયું છે.

બીજીબાજુ અશોક હોલનું નામ બદલવાના નિર્ણય પર સરકારે કહ્યું હતું કે, અશોક મંડપ નામ ભાષામાં એકરૂપતા દર્શાવે છે અને અંગ્રેજીકરણની છાપ મિટાવે છે. તે ઉપરાંત અશોક શબ્દનો અર્થ કોઈ પણ દુ:ખથી ન જોડાયેલો હોય તે થાય છે અને તે નામ સમ્રાટ અશોક સાથે પણ જોડાયેલું હોવાથી એકતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના પ્રતીકને પણ દર્શાવે છે તેમ યાદીમાં જણાવાયું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક