જામનગર,
તા.21: જોડીયાના કેશીયા નજીક ટ્રેકટર પલટી માર્યા બાદ કાર સાથે ટક્કર થતા બે યુવાનના
જીવ ગયા હતાં. સામેથી ટ્રક આવતો હોવાથી ટ્રેકટર ચાલકે ઓચિંતી બ્રેક મારતા અકસ્માત થયો
હતો.
મૂળ
રાજસ્થાનનો વતની રાકેશ દેવારામ ખટાણા ફાઇબરનું રોડ પરનું કામ પૂરું કરીને પોતાના ટ્રેકટરમાં
પાણીની ટાંકી ફીટ કરીને મોરબી તરફ જઇ રહ્યો
હતો. જેમાં પોતાની સાથે મૂળ રાજસ્થાનના વતની એવા મનીષ રામા અવતાર આદિવાસી (ઉ.વ.25)ને
બેસાડયો હતો. જે ટ્રેકટરના વ્હીલના પતરા ઉપર બેઠો હતો. ટ્રેકટર ગઇ કાલે સાંજે જોડીયા
તાલુકાના કેશીયા ગામ પાસે પહોંચતા સામેથી ટ્રક આવતો હોવાના કારણે ઓચિંતી બ્રેક મારવાથી
ટ્રેકટર ઉપરનો કાબુ ગુમાવી બેઠો હતો અને ટ્રેકટર માર્ગ ઉપર પલટી મારી ગયું હતું. અકસ્માતમાં
સૌ પ્રથમ પતરા પર બેઠેલો મનીષ આદિવાસી ટ્રેકટરની પાછળ ફીટ કરેલી પાણીની ટાંકીની નીચે
દબાયો હતો અને તેનું બનાવના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.
આ જ
સમયે કાર લઇને કેશીયા ગામથી જામદુધઇ તરફ જઇ રહેલા રાજેશભાઇ ત્રિકુભાઇ ગાંભવા (ઉ.વ.46)
પોતાના ઘર તરફ ફરી રહ્યા હતા. ટ્રેકટર પલટી મારીને કાર સાથે ડ્રાઇવરની સાઇડમાં ટકરાઇ
ગયું હતું અને રાજેશભાઇને પણ હેડ એન્જરી સહિતની ગંભીર ઇજા થતાં હેમરેજ થવાથી તેઓનું
પણ ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. આમ આ અકસ્માતમાં એકીસાથે બે વ્યક્તિઓના મૃત્યુ
નીપજ્યા હતા. જો કે ટ્રેકટર ચાલકનો બચાવ થયો હતો, અને તેને માત્ર સામાન્ય ઇજા થઇ હતી.
આ ઘટનામાં રાજેશભાઇ ગાંભવાના ભત્રીજા યોગેશભાઇ મનસુખભાઇએ ટ્રેકટર ચાલક સામે ફરિયાદ
નોંધાવતા જોડીયા પોલીસે ટ્રેકટરના ચાલક રાકેશ દેવારામ ખટાણા સામે ગુનો નોંધ્યો છે.