• શુક્રવાર, 18 જુલાઈ, 2025

દેશમાં વિકસાવાશે 100 કૃષિ જિલ્લા

-કેબિનેટે 24 હજાર કરોડની ‘પ્રધાન મંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના’ મંજૂર કરી : ગ્રીન એનર્જી ઉપર 27 હજાર કરોડ ખર્ચશે સરકાર

 

નવી દિલ્હી, તા. 16 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશમાં કૃષિ અને ઉર્જા  ક્ષેત્રને નવી દિશા આપતા ત્રણ મોટા નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં એક તરફ કૃષિ જિલ્લાના સમગ્ર વિકાસની યોજનાને સ્વીકૃતિ મળી છે તો બીજી તરફ રિન્યુએબલ એનર્જીમાં મોટાપાયે રોકાણનો રસ્તો સાફ કરવામાં આવ્યો છે. કૃષિ સંબંધિત યોજના પાછળ 24 હજાર કરોડ અને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં 27000 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો સરકારે નિર્ણય લીધો છે.

કેબિનેટે ‘પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના’ને 2025-26થી શરૂ કરીને છ વર્ષ માટે મંજૂરી આપી છે. આ યોજનામાં 24 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. નિર્ણયની જાણકારી આપતા કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે યોજનાનું લક્ષ્ય 100 કૃષિ જિલ્લાનો વિકાસ કરવાનું છે. આ યોજના નીતિ આયોગના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમથી પ્રેરિત છે. જો કે ખાસ કરીને કૃષિ અને તેના સંલગ્ન અમુક ક્ષેત્ર ઉપર કેન્દ્રીત છે. યોજનાનો હેતુ કૃષિ ઉત્પાદકતા વધારવાનો, પાક ડાઈવર્સિફિકેશનને પ્રોત્સાહિત કરવાનો, કૃષિ વિકલ્પોને અપનાવવાનો, પંચાયત અને બ્લોક સ્તરે ભંડારની સુવિધા અને સિંચાઈ વ્યવસ્થાને મજબુત કરવાનો છે. યોજનાને 11 મંત્રાલયની 36 યોજનાના પરસ્પર સહયોગથી લાગુ કરવામાં આવશે. 100 જિલ્લાની પસંદગી ઓછી ઉત્પાદકતા, ઓછી પાક સાઈકલ અને ઓછી લોન ડિસ્ટ્રીબ્યુશન જેવા ત્રણ આધારે કરવામાં આવશે. દરેક રાજ્યમાંથી ઓછામાં ઓછો એક જિલ્લો પસંદ કરવામાં આવશે.

કેબિનેટે એનટીપીસી લિમિટેડને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં રોકાણની વર્તમાન સીમાથી ઉપર જઈને 20,000 કરોડ રૂપિયા સુધીના રોકાણની મંજૂરી આપી છે. આ રોકાણ એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ અને તેની સહાયક કંપનીઓ અને સંયુક્ત 

ઉપક્રમો મારફતે કરવામાં આવશે. જેથી 2032 સુધીમાં 60 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી સુધીની ક્ષમતા મેળવી શકાય.

એનએલસીઆઈએલને પણ 7000 કરોડ રૂપિયાના રોકાણની વિશેષ છુટ આપવામાં આવી છે. જે પોતાની પૂર્ણ સ્વામિત્વની સહાયક કંપની એલએસી ઈન્ડિયા રિન્યુએબલ્સ લિમિટેડ મારફતે પ્રોજેક્ટમાં રોકાણ કરશે. જેનાથી કંપનીને સંચાલન અને આર્થિક બાબતોમાં મદદ મળી રહેશે.

--------------

કેબિનેટમાં શુભાંશુ શુક્લા માટે અભિનંદન પ્રસ્તાવ પસાર

કેન્દ્રીય મંત્રી મંડળે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની અંતરિક્ષ યાત્રા ઉપર પણ એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપતા કહ્યું હતું કે, આ સ્પેસની દિશામાં મોટી ઉપલબ્ધી છે. આઈએસએસથી શુભાંશુ  શુક્લાની વાપસી ઉપર મંત્રીમડળે એક મોટો સંકલ્પ પસાર કર્યો છે. શુભાંશુ શુક્લા અંતરિક્ષ યાત્રાથી સકુશળ ધરતી ઉપર પરત ફર્યા છે. જે પૂરા દેશ માટે ગર્વ, ગૌરવ અને ઉલ્લાસનો અવસર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક