• શુક્રવાર, 18 જુલાઈ, 2025

પ્રાંતવાદ પણ કોમવાદ જેટલો જ ખતરનાક : સુપ્રીમ

-મહત્ત્વની ટિપ્પણીમાં અદાલતે કહ્યું, ઘણા દળો ક્ષેત્રવાદને પ્રોત્સાહન આપે છે જે રાષ્ટ્રીય એકતાથી વિરુદ્ધ

નવી દિલ્હી, તા. 16 : સુપ્રીમ કોર્ટે ક્ષેત્રી રાજનીતિ ઉપર ખુબ જ મહત્ત્વની ટિપ્પણી કરતા કહ્યું છે કે ચૂંટણીની રાજનીતિમાં ક્ષેત્રવાદને પ્રોત્સાહન આપવું, દેશની એકતા અને અખંડતા માટે સાંપ્રદાયિકતા જેટલું જ ખતરનાક છે. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે ઘણા રાજનીતિક દળ ચૂંટણી દરમિયાન ક્ષેત્રવાદને પ્રોત્સાહન આપીને મત માગે છે જે રાષ્ટ્રીય એકતાથી વિરુદ્ધ છે.

એઆઈએમઆઈએમનું રજીસ્ટ્રેશન રદ કરવા સંબંધિત એક અરજી ઉપર સુનાવણી કરતા જસ્ટિસ સુર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની પીઠે ક્ષેત્રવાદને જોખમી ગણાવતી ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા બાદમાં અરજી ખારિજ કરવામાં આવી હતી અને કહ્યું હતું કે માત્ર એક પાર્ટીને નિશાન બનાવી શકાય નહી. ઘણા દળો સાંપ્રદાયિક કે ક્ષેત્રિય આધારે રાજનીતિ કરે છે. સુપ્રીમે કહ્યું હતું કે ક્ષેત્રવાદની રાજનીતિ દેશની સામુહિક ઓળખ અને સંવિધાનના મૂળ સિદ્ધાંતોને નુકસાન પહોંચાડી શકે છે.

સુપ્રીમે એઆઈએમઆઈએમના સંવિધાનનો અભ્યાસ કર્યા બાદ કહ્યું હતું કે બંધારણનું ઉલ્લંઘન કરતી કોઈ બાબત મળી આવી નથી. કોઈ ધાર્મિક કાનૂન સંવિધાન દ્વારા સંરક્ષિત હોય તો કોઈ રાજનીતિક દળને તેનો પ્રચાર કરવાનો અધિકાર છે. અંતમાં સુપ્રીમ કોર્ટે અરજદારને સલાહ આપી હતી કે તેઓ કોઈ વિશેષ પાર્ટીનું નામ લીધા વિના ચૂંટણી સુધારા સંબંધિત વ્યાપક મુદ્દે તટસ્થ અરજી દાખલ કરી શકે છે

ઇ-પેપરના નવા શુલ્ક