• શુક્રવાર, 18 જુલાઈ, 2025

હવે નાટોની ભારતને 100 ટકા ટેરિફ લાદવાની ધમકી

-નાટો મહાસચિવે કહ્યું, ભારત, ચીન અને બ્રાઝિલ પુતિનને નહી મનાવે તો ભારે નુકસાન ઉઠાવવું પડશે

નવી દિલ્હી, તા. 16 : બ્રિક્સમાં સામેલ દેશોને નાટો તરફથી ચેતવણી જારી કરવામાં આવી છે. આ ચેતવણી રશિયા સાથે વ્યાપારિક સંબંધો જાળવી રાખવાની સ્થિતિ મુદ્દે છે. નાટો મહાસચિવ માર્ક રૂટે ધમકી આપી હતી કે જો તમે ચીનના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન કે બ્રાઝીલના રાષ્ટ્રપતિ છો તો સમજવું પડશે કે રશિયા સાથે વ્યાપાર ચાલુ રાખવાની ભારે નુકસાન થઈ શકે છે. અમેરિકી સેનેટરો સાથે મુલાકાત બાદ રૂટે ભારત, ચીન અને બ્રાઝિલ ઉપર સેકન્ડરી પ્રતિબંધ અને 100 ટકા ટેરિફની ધમકી આપી હતી.

નાટો મહાસચિવે પત્રકારો સાથેની વાતચીતમાં ભારત, બ્રાઝિલ અને ચીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને શાંતિ વાર્તા ઉપર ગંભીરતાથી વિચાર કરવા માટે મનાવવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવે, કારણ કે આ સંકટ તમારા દેશ ઉપર ભારે પડી શકે છે.

રૂટે ચેતવણી આપી હતી કે જો રશિયા યુક્રેન સાથે શાંતિ વાર્તા માટે તૈયાર નહીં થાય તો ભારત, ચીન અને બ્રાઝિલ ઉપર સેકન્ડરી પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. આ માટે પુતિનને ફોન કરવામાં આવે અને કહેવામાં આવે કે હવે સમય આવી ગયો છે કે શાંતિ વાર્તાને ગંભીરતાથી લેવામાં આવે બાકી ભારે નુકસાન બ્રિક્સમાં સામેલ દેશોને ઉઠાવવું પડશે.

આ મામલે રશિયાના ઉપ વિદેશ મંત્રી સર્ગેઈ રિયાબકોવે અમેરિકા અને નાટોની ધમકીઓને ફગાવી હતી અને કહ્યું હતું કે રશિયા ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયાર છે પણ કોઈ અલ્ટીમેટમ મંજૂર નથી. રશિયા આર્થિક દબાણ છતાં પોતાની નીતિઓ બદલશે નહીં અને વૈકલ્પિક બિઝનેસ રૂટ શોધશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક