-1800 પુલની ચકાસણી, નર્મદા કેનાલ સ્થિત 45 પુલ બંધ : 36 પુલની મરામત તાત્કાલિક
-ક્ષતિગ્રસ્ત
રસ્તાઓ પર 56.27 ટકા પેચવર્ક અને 70%થી વધુ પોટ હોલ્સ ભરવાની કામગીરી પૂર્ણ
-રાજ્યમાં
20 પુલ સંપૂર્ણ અને 113 પુલ ભારે વાહનો માટે બંધ કરાયા
અમદાવાદ,
તા.16 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં માર્ગ
અને મકાન વિભાગની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. જેમાં અધિકારીઓ દ્વારા રાજ્યના તમામ
પુલો અને નર્મદા કેનાલ નેટવર્ક પર સ્થિત વિવિધ પુલોની સ્થિતિ અંગેનો રિપોર્ટ રજૂ કર્યો
હતો. જેમાં રાજ્યના 1800 પુલ અને નર્મદા કેનાલ નેટવર્ક પર સ્થિત વિવિધ પુલો પૈકી નિરીક્ષણમાં
જોખમી જણાઈ આવેલા 45 પુલને બંધ કરાયા છે. જે પૈકી, 5 પુલને સંપૂર્ણ બંધ અને 4 પુલને
ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયા છે. એવી જ રીતે, 36 પુલને તાત્કાલિક અસરથી મરામત
કામગીરી માટે બંધ કરવા અંગે તંત્રને સૂચનાઓ અપાઈ તે અંગે જણાવ્યું હતું. આ સાંભળ્યા
બાદ મૃદુ અને મક્કમ મનાતા મુખ્યમંત્રીની અકળામણ વધી ગઈ હતી અને અધિકારીઓને બરાબરના
આડે હાથ લીધા હતા.
મુખ્યમંત્રીએ
એવી દલીલ કરી હતી કે, રાજ્યના તમામ નાના-મોટા પુલોનું નિયમાનુસાર પ્રિ-મોન્સુન મોનીટરીંગ
કરાય છે ત્યારબાદ અધિકારીઓએ સરકારને સબ-સલામત હૈ ના રિપોર્ટ આપ્યા હતા. હવે જ્યારે,
ગંભીરા પુલ તૂટી પડવાની દુર્ઘટના બન્યા બાદ મુખ્યમંત્રીના પુલોની પુન: ચકાસણીના આદેશ
બાદ આટલી મોટી સંખ્યામાં પુલો બંધ કરવાની અને અમુકની તો તાકીદ મરામત કરવાની કામગીરી
આરંભાઈ છે, તે શું બતાવે છે ? આ તબક્કે મુખ્યમંત્રીએ, સ્તબ્ધ થઈ ગયેલા અધિકારીઓ પાસેથી
જવાબ માગ્યો હતો. તેની સાથે જે તેમણે જવાબદારો સામે કડકમાં કડક પગલા ભરવાનો પણ આદેશ
આપ્યો હતો.
સરદાર
સરોવર નર્મદા નિગમ લિમિટેડના અહેવાલ મુજબ, ગુજરાતમાં 17.92 લાખ હેક્ટર સિંચાઈ વિસ્તારને
આવરી લેતું આશરે 69,000 કિ.મી. લાંબુ નર્મદા કેનાલ નેટવર્ક ઉપલબ્ધ છે. આ કેનાલ નેટવર્ક
પરથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રાજ્ય ધોરીમાર્ગો અને ગામડાંના માર્ગોને જોડતા
આશરે 2110 જેટલા પુલ કાર્યરત છે. નિગમ દ્વારા આ તમામ પુલોનું વ્યાપક વિઝ્યુઅલ નિરીક્ષણ
અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં, તારણના આધારે, ટ્રાફિક માટે જોખમી જણાઈ આવેલા
કુલ 5 પુલને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે. પુલની વાહક અને ભાર ક્ષમતાના આધારે અન્ય
4 પુલને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 36 પુલને મરામતની જરૂરિયાત
હોવાથી તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને
સૂચનાઓ આપવામાં આવી છે.
ગાંધીનગર
ખાતે આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં માર્ગ
અને મકાન વિભાગની કેટલીક મહત્ત્વની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. જે અંગેની વિગતો આપતા
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, વિભાગના આલેખન વર્તુળના ઇજનેરો, પુલોના નિષ્ણાંત
કન્સલ્ટન્ટ તેમજ વર્તુળ અને ક્ષેત્રિય કચેરીઓના અધિકારીઓ દ્વારા એક અઠવાડિયામાં
1800 થી વધુ નાના-મોટા પુલોની સ્થળ મુલાકાત લઈને ઇન્સ્પેક્શન કરાયું છે. જે પુલોમાં
વધુ તપાસની જરૂર હોય એવા 133 પુલ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. આ 133 પુલ પૈકી 20 પુલ તમામ વાહનો માટે, જ્યારે
113 પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે.