• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

અમેરિકા સામે છપ્પનની છાતી

અમેરિકામાં ભારત વિરોધી બિલ સામે ભારતનો સજ્જડ જવાબ : ભારત પોતાની ઊર્જા નીતિમાં કોઈ ફેરફાર કરશે નહીં

 

નવી દિલ્હી, તા.16: અમેરિકાએ રશિયા પાસેથી ઓઈલ ખરીદતા દેશો ઉપર 100 ટકા ટેરિફ લાગુ કરવા કાયદો ઘડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સેનેટમાં આ વિધેયકને મંજૂરી મળી ગયા બાદ હવે તેને હાઉસ ઓફ રિપ્રેઝંટેટિવમાં પણ લાવવામાં આવી રહ્યું છે. આ બિલ પાસ થઈ જાય તો ભારત ઉપર 100 ટકા ટેરિફ લાગી શકે છે. આમ છતાં ભારતે સાફ શબ્દોમાં કહી દીધું છે કે, અમેરિકા જે કરવું હોય તે કરે, ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદતું રહેશે અને આવા કોઈપણ દબાણ સામે ઝૂકશે નહીં.

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે, ભારત પોતાની ઉર્જાની આવશ્યકતાઓ સાથે જોડાયેલા કોઈપણ નિર્ણય દેશનાં 140 કરોડ નાગરિકોનાં હિતોને ધ્યાને રાખીને કરે છે. આગળ પણ તે જાળવી રાખવામાં આવશે.

અમેરિકા દ્વારા જે બિલ લાવવામાં આવ્યું છે તેને લિંડસે ગ્રાહમ સેક્શનિંગ રશિયા એન્ડ ઈરાન બિલ નામ આપવામાં આવ્યું છે. આનો સીધો ઉદ્દેશ ભારત અને ચીન સહિતનાં દેશો ઉપર સીધો ટેરિફ લાદવાનો છે. ભારત સરકારનાં સૂત્રોનાં કહેવા અનુસાર તે         

આ સ્થિતિ ઉપર નજર રાખે છે અને સ્પષ્ટ નીતિ એ છે કે, ભારત પોતાની નીતિમાં કોઈ જ બદલાવ નહીં કરે. આ પહેલા એવા પણ સમાચાર આવ્યાં હતાં કે, કેટલાક અમેરિકી સાંસદોએ આ બિલમાં થોડા સુધારા સૂચવ્યા હતાં અને તેમાં પ્રતિબંધો માટે ભારતનાં નામનો ઉલ્લેખ પણ કરવા માટે માગણી કરવામાં આવી હતી. આ પહેલા તેમાં ફક્ત રશિયા પાસેથી ઓઈલ ખરીદતા દેશો જેવો ઉલ્લેખ હતો. કોઈ દેશનું નામ તેમાં સામેલ નહોતું. જો કે હવે આમાં ભારતનું નામ સ્પષ્ટ રીતે ટાંકવા માટે કહેવામાં આવ્યું છે.

 

 

ભારત-પાક.નાં જહાજો ટકરાતાં ઘર્ષણ

 

અરબ સાગરમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે અથડાયું પાકિસ્તાની નેવીનું જહાજ, ભારતે નોંધાવ્યો ઉગ્ર વિરોધ

 

નવી દિલ્હી, તા. 16 : અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય જળસીમાની અંદર એક અત્યંત સંવેદનશીલ અને જોખમી ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ની સાંજે નિયમિત પેટ્રાલિંગ પર રહેલા ભારતીય નૌકાદળના અગ્રણી યુદ્ધ જહાજ નજીક પાકિસ્તાની નૌકાદળનું એક જહાજ અત્યંત ઝડપે અને જોખમી રીતે આવી પહોંચ્યું હતું. પાકિસ્તાની જહાજના અનપ્રોફેશનલ અને અસુરક્ષિત સંચાલનને કારણે બંને યુદ્ધજહાજો વચ્ચે ટક્કર થઈ હતી. જો કે, રાહતની વાત એ છે કે આ અથડામણમાં કોઈ મોટું નુકસાન થયું નથી.

ન્યૂઝ એજન્સી અગઈંના અહેવાલ અનુસાર 15 સપ્ટેમ્બરની સાંજે ભારતીય નૌકાદળનું અગ્રણી યુદ્ધ જહાજ ઉત્તર અરબી સમુદ્રમાં નિયમિત સર્વેલન્સ મિશન પર હતું. તે દરમિયાન પાકિસ્તાન નેવીનું એક જહાજ અત્યંત હાઇસ્પીડ સાથે ભારતીય જહાજ તરફ ધસી આવ્યું હતું. સમુદ્રી નિયમોની વિરુદ્ધ જઈને કરવામાં આવેલા અસુરક્ષિત દાવપેચને પગલે બંને જહાજો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ ઘટના આંતરરાષ્ટ્રીય જળસીમામાં બની હતી અને સદનસીબે બંને પક્ષે કોઈ મોટું નુકસાન નોંધાયું નથી.

પાકિસ્તાની નૌકાદળની આ અસ્વીકાર્ય હરકત સામે ભારતના વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. નવી દિલ્હી ખાતે આવેલા પાકિસ્તાન હાઈકમિશનના પ્રભારી (Charg d'Affaires)ને વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે સમુદ્રમાં પાકિસ્તાની નૌકાદળના અસ્વીકાર્ય વર્તન સામે તેમની સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો હતો.

વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં બનેલી આ ઘટનામાં પાકિસ્તાની જહાજનું વલણ બંને દેશો વચ્ચે થયેલા કરારની વિરુદ્ધ હતું. આ ઘટના એપ્રિલ 1991માં ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી કવાયતો, દાવપેચ અને સૈનિકોની હિલચાલ અંગે આગોતરી માહિતી આપવા માટે થયેલા દ્વિપક્ષીય કરારની કલમ 10નું સીધું ઉલ્લંઘન છે.

પાકિસ્તાનના રાજદૂતને તાકીદ કરવામાં આવી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ લશ્કરી એકમો સાવચેતી રાખે અને પરસ્પર કરારોનું સન્માન કરે.

આ વિવાદ માત્ર દિલ્હી સુધી સીમિત નથી રહ્યો. ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના ઈસ્લામાબાદ ખાતે સ્થિત ભારતીય હાઈકમિશનના પ્રભારીને પણ ખાસ સૂચના આપી છે. ભારતીય રાજદ્વારીને પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સમક્ષ સત્તાવાર રીતે આ જ પ્રકારનો સખત વિરોધ નોંધાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક