• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

મોદીના જન્મદિન નિમિત્તે વડનગરથી વારાણસી સુધી બાઈક યાત્રાનો પ્રાંરભ

 કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ યાત્રાનું પ્રસ્થાન કરાવશે : બન્ને દિશામાંથી શરૂ થનારી આ બાઈક સેવા યાત્રામાં કુલ એક હજાર યુવાનો ભાગ લેશે

 

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, તા. 16:  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા અને સમર્પણના અવિરત પચીસ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી સેવા સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વારાણસીથી વડનગર એમ બે ઐતિહાસિક બાઈક સેવાયાત્રા યોજાશે.

આવતીકાલે સવારે સાડા નવ વાગ્યે વડાપ્રધાનના જન્મદિને તેમની જન્મભૂમિ વડનગર અને કર્મભૂમિ વારાણસી બંને સ્થળેથી એકસાથે આ બાઈક સેવા યાત્રાનો પ્રારંભ થવાનો છે. વડનગર ખાતેથી દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આ બાઈક સેવા યાત્રાનું પ્રસ્થાન કરાવશે. આ વિશેષ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેજી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી અનુપ્રિયા પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

જ્યારે વારાણસી ખાતેથી શરૂ થનારી યાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં દેશના રક્ષામંત્રી રાજનાથાસિંહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ વિશાળ યાત્રા દેશના દસ રાજ્યોના 193 જિલ્લા અને અંદાજે 1159 ગામડામાંથી પસાર થઈને લગભગ ચાલીસ હજાર કિલોમીટરનું અંતર કાપશે.

બંને દિશામાંથી શરૂ થનારી આ બાઈક સેવા યાત્રામાં કુલ એક હજાર યુવાનો ભાગ લેશે અને સાત ઓક્ટોબરના રોજ આ યાત્રાનું સમાપન થશે. યાત્રા દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, નશામુક્ત ભારત અભિયાન, જળસંરક્ષણ જાગૃતિ જેવા વિવિધ લોકઉપયોગી કાર્યક્રમો યોજાશે તેમજ સફાઈ કર્મચારીઓનું સન્માન અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવશે. ગુજરાતમાં આ યાત્રાના પ્રારંભ પૂર્વે રાજ્યના ચારેય ઝોનમાંથી નીકળેલી ઉપયાત્રાઓ વડનગર પહોંચી ચૂકી છે, જે સોમનાથ, શામળાજી, પાવાગઢ અને નવસારીના ઉનાઈ ખાતેથી પવિત્ર જળ એકત્ર કરીને આવી છે. વડનગર ખાતે શર્મિષ્ઠા તળાવનું જળ ઉમેરીને આ જળકળશ વારાણસી લઈ જવામાં આવશે અને કાશી વિશ્વનાથ મહાદેવજીનો જળાભિષેક કરવામાં આવશે. તેવી જ રીતે વારાણસીથી શરૂ થતી યાત્રા દ્વારા પણ પવિત્ર જળ એકત્ર કરીને હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે જળાભિષેક કરવામાં આવશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પચીસ વર્ષના સુશાસન, સેવા અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને દેશના જનજન સુધી પહોંચાડીને જનભાગીદારી સાથે આગળ વધારવાનો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક