• ગુરુવાર, 28 માર્ચ, 2024

હવે ઉત્તરાખંડ સીમાએ ચીનની મેલી નજર

કઅઈ પાસે નિર્માણકાર્ય તેજ: સેટેલાઇટ તસવીરમાં સામે આવી ચીનની ચાલાકી 

100 બાંધકામ મહિનાની અંદર પૂરાં કરી લીધાં

નવી દિલ્હી, તા. 7: ચીન પોતાની આક્રમક ગતિવિધિઓનાં કારણે જોખમી બની રહ્યું છે. સિક્કિમ, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશની સરહદે આક્રમકતા બાદ હવે ચીની આર્મીનું ધ્યાન ઉત્તરાખંડમાં સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા ઉપર છે. આ એવો વિસ્તાર છે જ્યાં હજી સુધી કોઈપણ પ્રકારના તનાવના અહેવાલ નહોતા આવ્યા. ચીનની સેના  લાંબા સમયથી ભારત નજીકના સરહદી વિસતારમાં ગામોનું નિર્માણ કરી રહી છે. આ વિસ્તાર પૂર્વ લદ્દાખ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ વગેરે નજીક આવેલા છે. એક અખબારે સેટેલાઇટ તસવીરો સાથે દાવો કર્યો છે જે ઉત્તરાખંડ નજીકના સરહદી વિસ્તારમાં ચીન સૈન્ય ગામો બનાવી રહ્યાના દાવાની પુષ્ટિ કરે છે.

સેટેલાઇટ તસવીરના વિશ્લેષણથી જાણવા મળે છે કે ચીન ખૂબ ઝડપથી સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી રહ્યું છે. અમુક મામલામાં તો એક મહિનાની અંદર જ 100થી વધારે નિર્માણકાર્ય પૂરા કરી લેવામાં આવ્યા છે.  ઉત્તરકાશીના પુલામ સુમદાથી 40 કિમી દૂર આવા સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એપ્રિલથી મે 2022 વચ્ચે તૈયાર થયા છે. પૂર્વ બારાહોતી પાસે પણ આવા માળખા તૈયાર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે બારાહોતીમાં ચીન અને ભારતના જવાનો વચ્ચે ગતિરોધના અહેવાલો આવતા રહે છે. જો કે ચીનના આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અલગ અલગ વિસ્તારમાં છે. જેનાથી જાણવા મળે છે કે ચીન પૂરા સેક્ટરમાં પોતાની સૈન્ય ઉપસ્થિતિ વધારી રહ્યું છે. ચીને છેલ્લા અમુક સમયથી બોર્ડર ઉપર આવાસીય પરિસરોના નિર્માણ ઉપર ભાર મૂક્યો છે. જે કોમ્પ્લેક્સ મનોરંજન અને ખેલ સુવિધાઓથી સજ્જ છે. જો કે અત્યારે તે ખાલી પડેલાં છે.

ભારતીય સૈન્ય સૂત્રોના કહેવા પ્રમાણે ચીનના સરહદી ગામોમાં માઇગ્રેશન નહીંવત્ છે. જેનાથી પુષ્ટિ થાય છે કે તેને સૈન્ય ઉપયોગ માટે બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગલવાનમાં ઘર્ષણ બાદથી ભારત અને ચીન સતત સૈન્ય વાર્તાલાપ ઉપર ભાર મૂકી રહ્યા છે. ગયા મહિને પૂર્વી લદ્દાખ સેક્ટરમાં એલએસીએ તનાવ ઘટાડવા માટે બન્ને દેશ વચ્ચે રાજદ્વારી સ્તરની બેઠક થઈ હતી. આ ઉપરાંત કમાન્ડ સ્તરની પણ વાતચીત થઈ ચૂકી છે.

ઇ-પેપરના નવા શુલ્ક