• શનિવાર, 27 જુલાઈ, 2024

હવે દિલ્હી પણ બે અગ્નિકાંડથી દાઝ્યું : 7 શિશુ સહિત 10નાં મૃત્યુ

બેબીકેર સેન્ટરની આગમાં 7 શિશુ અને રહેણાક વિસ્તારની ઘટનામાં 3ના જીવ ગયા

 

નવી દિલ્હી, તા. 26: શનિવારે રાજકોટના ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની શાહી હજુ સુકાઈ નહીં, ત્યાં તે જ દિવસે દિલ્હીના વિવેક વિહાર સ્થિત ન્યૂ બોર્ન બેબીકેર સેન્ટર અને શાહદરા વિસ્તારમા મોડી રાત્રે આગ લાગી હતી, જેમાં બેબીકેર સેન્ટરમાં સાત નવજાત બાળકોનાં મોત થયાં  હતાં, જ્યારે પાંચને બચાવી લેવાયાં છે, તેમાંથી એક વેન્ટિલેટર પર છે,  તો શાહદરા વિસ્તારમાં લાગેલી આગથી ત્રણનાં મોત થયાં હતા. આમ દિલ્હીના બે અગ્નિકાંડમાં કુલ 10 જિંદગી હોમાઈ હતી. આ દુર્ઘટના બાદ લોકોમાં રોષ ફેલાયો હતો અને પરિજનોએ દોષીઓ સામે પગલાંની માંગ કરી હતી.

એક મીડિયા હેવાલ મુજબ, ફાયર અધિકારીએ કહ્યું હતું કે, રાત્રે 11:30 વાગ્યે આગની માહિતી મળી હતી. ફાયરની 16 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. દુર્ઘટના બાદ કેરના માલિકની ધરપકડ કરાઈ હતી. બેબીકેર સેન્ટરમાં લાગેલી આગના ત્રણ કલાક બાદ શાહદરા વિસ્તારમાં એક ઈમારતમાં પણ આગની ઘટના બની હતી, જેમાં ત્રણે જીવ ખોય છે, તો 12 લોકોને બચાવી લેવાયા છે.

ફાયર વિભાગ અને પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. જો કે, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, બેબીકેર સેન્ટરની ઈમારતના તળિયામાં ગેરકાયદે  ઓક્સિજન ગેસ ભરવાની પ્રવૃત્તિ ચાલુ હતી, તે જ સમયે વિસ્ફોટનો જોરદાર અવાજ સંભળાયો તેથી ઓક્સિજન સિલિન્ડરમાં ધડાકો થવાને કારણે આગ લાગી હોવાની આશંકા છે. જો કે, હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. અલબત્ત, ઘટના બાદ નાસી છૂટેલા હોસ્પિટલના માલિક  નવીન ખીંચની ધરપકડ કરી લેવાઈ હતી.

બેબી કેર સેન્ટરમાં આગની ઘટનાના ત્રણ કલાક બાદ શાહદરા વિસ્તારમાં રહેણાક ઈમારતમાં આગ ફાટી નીકળી હતી. ફાયર ઓફિસરે જણાવ્યું કે, બિલ્ડિગમાં આગ લાગવાની માહિતી મળ્યા બાદ પાંચ ફાયર મથકની ગાડીઓ ત્યાં પહોંચી ગઈ હતી. સાંકડી ગલીઓનાં કારણે ત્યાં પહોંચવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. જો કે, આગ કાબૂમાં આવી હતી. બિલ્ડિગમાં ફસાયેલા પૈકી ત્રણનાં મોત નીપજ્યા હતા, જ્યારે 12 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, ચાલુ વર્ષે 15 ફેબ્રુઆરીએ દિલ્હીના અલીપુરના દયાલ માર્કેટમાં આવેલી પેઇન્ટ ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં 11 લોકોનાં મોત થયાં હતાં અને 4 લોકો દાઝી ગયા હતા. ફાયર બ્રિગેડની 22 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે આસપાસનાં મકાનોને પણ નુકસાન થયું હતું. કારખાનામાં પેઇન્ટ બનાવવા માટે રાખવામાં આવેલા કેમિકલમાં ધડાકો થતાં આગ લાગી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024