• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

પ્રતિષ્ઠાનો પ્રશ્ન: ચૂંટણી પંચ તપાસની માગણી કરશે ?

ભારતના ચૂંટણી પંચ ઉપર વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કરેલા - ‘આક્ષેપ’ હવે ‘આરોપ’ બન્યા હોવાથી પંચની પ્રતિષ્ઠા સામે ગંભીર પડકાર છે. પંચે ભાજપની તરફેણમાં હેરાફેરી કરી હોવાનો આરોપ વધુ ગંભીર છે અને આખરે રાજકીય આંદોલનનું સ્વરૂપ પકડે એવી શક્યતા છે. ભાજપ અને મોદી માટે પણ આગામી સમય કટોકટી અને કસોટીનો છે. આક્ષેપ - આરોપ ચૂંટણી પંચ સામે છે પણ મતદાનનો લાભ - કે ગેરલાભ ભાજપને મળ્યો હોવાનો આક્ષેપ હોવાથી જનતા સમક્ષ ખુલાસો પણ જરૂરી છે.

રાહુલ ગાંધી અને વિપક્ષે ભૂતકાળમાં વોટિંગ મશીનમાં ‘ગરબડ’ થતી હોવાની શંકા વ્યક્ત કર્યા પછી ચૂંટણી પંચે જાહેરમાં અને સુપ્રીમ કોર્ટમાં પણ વોટિંગ મશીનની કામગીરી સિસ્ટમનું પ્રદર્શન કરીને ખાતરી કરાવી હતી કે કોઈ ગરબડ શક્ય નથી. વોટિંગ મશીન ઉપરાંત પંચની પ્રતિષ્ઠા અને નિષ્પક્ષ પ્રામાણિકતા પણ સિદ્ધ થઈ છે. હવે પંચ ઉપરના આક્ષેપના સમર્થનમાં રાહુલ ગાંધીએ વિગતવાર પુરાવા બતાવ્યા છે તેનો જવાબ મળવો જોઈએ. પંચે રાહુલ ગાંધીને સોગંદનામા સાથે પુરાવા આપવા જણાવ્યું છે પણ રાહુલ ગાંધી કહે છે કે એમણે લોકસભાના સભ્ય તરીકે સંવિધાન હાથમાં લઈને શપથ લીધા છે તેથી હવે જરૂર નથી. પંચે માગણી ઢીલી કરીને જાહેર માફી માગવા જણાવ્યું પણ રાહુલ ગાંધી માફી માગવા તૈયાર થાય નહીં તે સ્વાભાવિક છે.

આ વિષય કાનૂન કરતાં રાજકીય વધુ છે અને રાહુલ ગાંધી જન-આંદોલનની તૈયારી કરી રહ્યા છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના સ્થાપક અને કૉંગ્રેસના ઇન્ડિ મોરચામાં મહત્ત્વના સિનિયર નેતા શરદ પવારે પણ દેશભરમાં ‘વોટ ચોરી’ સામે આંદોલન કરવાની સલાહ આપી છે. આ દરમિયાન શરદચન્દ્ર પવારે નાગપુરમાં ‘ધડાકો’ કર્યો કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વખતે નવી દિલ્હીમાં બે અજાણ્યા શખસ એમને મળ્યા હતા અને વિધાનસભામાં 50થી 60 બેઠકો મેળવી આપવાની ખાતરી આપી હતી પણ લોકતંત્ર અને જનતામાં વિશ્વાસ હોવાથી અમે આવી ‘ગોલમાલ’ની સાફ ના પાડી. શરદ પવાર કહે છે કે એમણે આ બંને માણસોને રાહુલ ગાંધી પાસે મોકલ્યા અને એમણે પણ ઇનકાર કર્યો.

શરદ પવાર સાહેબે મહિનાઓ પછી આ ‘ધડાકો’ કર્યો છે. ચૂંટણી પ્રચારમાં જ કરવાની જરૂર નહોતી? નવી દિલ્હીમાં રાહુલ ગાંધીના ‘ઍટમ બૉમ્બ’ પછી નાગપુરમાં પવાર સાહેબે આ વાત કરી છે તેથી કૉંગ્રેસના વ્યૂહનું કાવતરું હોવાની શંકા જાગી છે. અનુભવી નેતાને કોઈ અજાણ્યા માણસો મળવા જાય અને પછી - રાહુલ ગાંધી પાસે મોકલે છતાં નામ-ઠામ પૂછે નહીં - ચહેરા યાદ હોય નહીં? રાહુલ ગાંધીને મળવાનું આસાન નથી. પૂરતી તપાસ થાય છે અને નોંધપાત્ર બાબત એ છે કે નવી દિલ્હીની પત્રકાર પરિષદમાં ઍટમ બૉમ્બ - વખતે રાહુલ ગાંધીએ બે-આદમીની અૉફરનો ઉલ્લેખ પણ કર્યો નહીં!

શરદ પવાર પછી મુંબઈમાં સંજય રાઉતે પણ પત્રકારોને કહ્યું કે ઉદ્ધવ ઠાકરેજીને મળવા પણ આ બે શખસ આવ્યા ત્યારે હું પણ ત્યાં હાજર હતો અને ઉદ્ધવજીએ પણ આવી અૉફર સ્વીકારવાનો સાફ ઇનકાર કર્યો. લોકસભાની ચૂંટણી વખતે પણ આ લોકો મળવા આવ્યા હતા. સંજય રાઉત કહે છે કે વોટિંગ મશીનમાં ‘વ્યવસ્થા’ કરવાની અૉફર હતી (જોકે શરદ પવારે વોટિંગ મશીનનો ઉલ્લેખ નથી કર્યો.) રાહુલ ગાંધીએ પણ મતદાર યાદીની ગોલમાલની વાત - વિગતે કરી છે. સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેની હાજરીની વાત કરી છે પણ આ જાહેરાત સંજય રાઉતે કરી છે અને શક્ય છે કે અન્ય નેતાઓ પણ ‘બે શખસ’ની વાત કરે પણ ‘વહ કૌન થે?’ કોઈ જાણતું નથી.

શરદ પવારનો આક્ષેપ અને માહિતીની તપાસ થવી જોઈએ. વોટિંગ મશીન સાથે આવાં ચેડાં શક્ય હોય તો પંચે સામે ચાલીને સીબીઆઈની તપાસની માગણી કરવી જોઈએ - અને જો મશીનમાં ગોલમાલ થઈ શકે તો મતદાર યાદીમાં કરવાની શી જરૂર? આવા ઘણા પ્રશ્નો જવાબ માગે છે તેથી આખરે સુપ્રીમ કોર્ટ ઉપર સૌની નજર છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક