રાજસ્થાન રોયલ્સે ભાવુક પોસ્ટ શેર કરી : 2025ના IPLમાં રાજસ્થાને કર્યું હતું નબળું પ્રદર્શન
નવી
દિલ્હી, તા. 30 : રાહુલ દ્રવિડે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સની ટીમના હેડ કોચનું પદ છોડી
દીધું છે. રાહુલ દ્રવિડ મુદ્દે ફ્રેન્ચાઈઝી તરફથી નિવેદન જારી કરવામાં આવ્યું છે. આઈપીએલમાં
રાજસ્થાન રોયલ્સ માટે 46 મેચ રમનારા દ્રવિડે ગયા વર્ષે હેડ કોચનુ પદ સંભાળ્યું હતું.
તેમના કોચિંગમાં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન આઈપીએલ 2025મા ખાસ રહ્યું નહોતું.
રાજસ્થાન
રોયલ્સના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હેડ કોચ રાહુલ દ્રવિડ રાજસ્થાન
રોયલ્સ સાથે આઈપીએલ 2026 પહેલા પોતાનો કાર્યકાળ પુરો કરશે. રાહુલ ઘણા વર્ષોથી રાજસ્થાનની
સફરનું મુખ્ય કેન્દ્ર રહ્યો છે. તેના નેતૃત્વએ ખેલાડીઓની એક પેઢીને પ્રભાવિત કરી છે.
ટીમમાં મજબુત મુલ્યોનું સંચાર કર્યું છે અને ફ્રેન્ચાઈઝીની સંસ્કૃતિ ઉપર અમીટ છાપ છોડી
છે.
નિવેદનમા
આગળ કહેવામાં આવ્યું છે કે ફ્રેન્ચાઈઝીની સંરચનાની સમીક્ષાના હિસ્સા તરીકે રાહુલ દ્રવિડને
એક વ્યાપક પદનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જો કે તેમણે આ પદ સ્વીકાર કર્યું નથી.
રાજસ્થાન રોયલ્સ, તેના ખેલાડી અને દુનિયાભરના પ્રશંસક રાહુલ દ્રવિડને શાનદાર સેવાઓ
માટે ધન્યવાદ આપે છે.
રાજસ્થાન
રોયલ્સે દ્રવિડ માટે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે પિંકમાં
તમારી હાજરીએ યુવા અને અનુભવી બન્ને ખેલાડીઓને પ્રેરિત કર્યા છે. રાજસ્થાન રોયલ્સ હંમેશાં
આભારી રહેશે.
રાહુલ
દ્રવિડની કોચિંગમાં રાજસ્થાન રોયલ્સ આઈપીએલ 2025 દરમિયાન 14માથી માત્ર ચાર જ મેચમાં
જીતી શકી હતી. જેના કારણે પોઈન્ટ ટેબલમાં ટીમ નવમા સ્થાને રહી હતી. દ્રવિડ પહેલા ભારતીય
ટીમમાં હેડ કોચ હતો. દ્રવિડની કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ ટી20 વિશ્વકપ 2024 જીત્યો હતો.
તેમજ વનડે વિશ્વકપ 2023ના ફાઈનલ સુધી ટીમ પહોંચી હતી.