એશિયા કપ પહેલા BCCI કોઈપણ ખેલાડીને છૂટ આપવાના મૂડમાં નથી : બેંગલોર પહોંચ્યો ગિલ
નવી
દિલ્હી, તા. 30 : એશિયા કપ 2025 માટે ભારતીય ટીમ ચાર સપ્ટેમ્બરના દુબઈ માટે ઉડાન ભરશે.
જો કે પહેલા ટી20 ટીમના ઉપકેપ્ટન શુભમન ગિલે બીસીસીઆઈની એક ટેસ્ટ પાસ કરવી પડશે. આ
ફિટનેસ ટેસ્ટ હશે. જેને પાસ કર્યા બાદ જ શુભમન ગિલ દુબઈ માટે ઉડાન ભરી શકશે. આ ટેસ્ટ
એશિયા કપ માટે જનારા તમામ ખેલાડીઓ માટે અનિવાર્ય છે. તેવામાં બોર્ડ કોઈપણ ખેલાડીને
છૂટ આપવાના મૂડમાં નથી.
રિપોર્ટ
અનુસાર શુભમન ગિલ ફિટનેસ ટેસ્ટ માટે બેંગલોર સ્થિત રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી સેન્ટરે
પહોંચી ગયો છે. જો કે ગિલનો ફિટનેસ ટેસ્ટ ક્યારે થશે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી.
સંભાવના છે કે ગિલ એશિયા કપ માટે બેંગલોરથી સીધો યુએઈ માટે ફલાઈટ પકડશે. રિપોર્ટમાં
કહેવાયું છે કે ગિલ થોડા સમય પહેલા અસ્વસ્થ હતો અને ચંડીગઢમાં આરામ કરી રહ્યો હતો.
આ કારણે તે દુલિપ ટ્રોફીમાંથી પણ બહાર થયો હતો. સાજા થયા બાદ તેણે બેંગલોર માટે રવાના
થતા પહેલા હોમટાઉનમાં પ્રેક્ટિસ કરી હતી.