• સોમવાર, 01 સપ્ટેમ્બર, 2025

રાજકોટમાં ડ્રગ્સ વેચનારને ખુલ્લો દોર, હેલ્મેટ ન પહેરનારને દંડ : ઈટાલિયા

જન્મ-મરણના પ્રમાણપત્રો, આધારકાર્ડથી લઈને નાનામાં નાના કામો માટે લોકોને સરકારી અધિકારીઓના પગ પકડવા પડે છે

રાજકોટ તા.30 : ‘ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપે ડંડાની સરકાર ચલાવી છે, કોઈ સામાન્ય વ્યક્તિ પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવે તો એ અવાજ દબાવી દેવામાં આવે છે. જન્મ-મરણના પ્રમાણપત્રો, આધારકાર્ડથી લઈને પોતાના નાનામાં નાના કામો માટે લોકોને સરકારી અધિકારીઓના પગ પકડવા પડે છે, અહીં હેલ્મેટ ન પહેરો તો પોલીસ પકડે છે અને ડ્રગ્સ વેચનાર ખુલ્લેઆમ ફરે છે’ તેવું આજરોજ શહેરના સામાકાંઠા વિસ્તારમાં એક જંગી સંભાને સંબોધતા વિસાવદરના ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું.

રાજ્યમાં આગામી સમયમાં રહેલી ચૂંટણીઓ પૂર્વે જ આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર સક્રિય થવા લાગી છે. વિસાવદર બેઠકમાં ભવ્ય વિજય સાથે જીત મેળવનારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને આગળ કરીને ‘આપ’ દ્વારા આજરોજ રાજકોટમાં જિલ્લાના શાપર અને રાત્રે રાજકોટ શહેરમાં બે જાહેરસભા સંબોધવામાં આવી હતી. શહેરના સામાકાંઠા વિસ્તારમાં બહુમતી ધરાવતા લેઉવા પટેલ સમાજનું સમર્થન મળી રહે તે માટે રાત્રે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સભાને સંબોધતા ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ભગવાન આ દુનિયામાં એક બાળકને મોકલે છે અને તેની જન્મનોંધણી માટે તેના માતા-પિતાઓને અનેક ધક્કા ખાવા પડે છે. સરકારી તંત્રમાં કોઈ સંવેદના નથી. કોઈ ફરિયાદ કરે તો ભાજપના નેતાઓ તેઓનો અવાજ દબાવી નાખે છે. 20 વર્ષ પૂર્વે ભાજપના જે નેતાઓને આપણે સહુએ મત આપ્યાં તેઓના બાળકો આજે વિદેશમાં સેટ થઈ ગયાં છે અને તમારા બાળકોને સરકારી શાળામાં એડમિશન લેવામાં પણ સાંસા પડી રહ્યાં છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સરકારી શાળાનું શિક્ષણનું સ્તર પણ કથળ્યું છે પ્રાઈવેટ શાળામાં તોતિંગ ફી વસૂલવામાં આવે છે. આઝાદીના 75 વર્ષ પછી પણ આપણે ભણવા, પીવાના પાણી, સારા રસ્તાઓ માટે આંદોલન કરવા પડે છે. ભાજપ દેશને વિશ્વગૂરૂ બનાવાની વાત કરે છે પહેલા બે સારા રોડ બનાવી આપે એ સૌથી વધુ જરૂરી છે. 300થી વધુ યુવાઓને રોજગાર આપનારા ‘આપ’ ના અમારા અગ્રણી કાર્યકર્તા વિજયસિંહ જાડેજાને હૃદય રોગનો હુમલો આવ્યો ત્યારે સિવિલ હોસ્પિટલમાં રૂ.70ની કિમતનું ઈન્જેક્શન ન હોવાના કારણે મૃત્યુ મળ્યું તે સાબીત કરી દેખાડે છે કે, હોસ્પિટલ તંત્રમાં કેવી ગોબાચારી ચાલી રહી છે.

રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, ગેમઝોન અગ્નિકાંડના મૃતકોના સાંચો આંકડો આ ભાજપની સરકારે ક્યારેય સામા આવવા દીધો નથી. રાજકોટમાં ડ્રગ્સ વેચનારા ખુલ્લેઆમ ફરે છે અને હેલ્મેટ ન પહેરનારા લોકોને પોલીસ પકડી લે છે. જાહેર સભામાં બહોળી સંખ્યામાં ‘આપ’ના અગ્રણી નેતાઓ ઉપરાંત બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયાં હતાં. 

ઇ-પેપરના નવા શુલ્ક