• સોમવાર, 01 સપ્ટેમ્બર, 2025

IPL બાદ હવે DPLમાં દિગ્વેશ ચર્ચામાં

નીતિશ રાણા સાથે બાખડી પડયો: એક મેચમાં 5 ખેલાડીને થયો દંડ

નવી દિલ્હી, તા. 30 :  ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025મા લખનઉ સુપર જાયન્ટસના સ્પિનર દિગ્વેશ રાઠી સતત ચર્ચામાં રહ્યો હતો. દિગ્વેશે આઈપીએલની ડેબ્યુ સીઝનમાં પ્રદર્શન સારું કર્યું હતું પણ મેદાન ઉપર આક્રમક વલણના કારણે લાઈમલાઈટમાં રહ્યો હતો. નોટબુક સેલિબ્રેશન અને વિપક્ષી ટીમના ખેલાડીઓ સાથે બોલાચાલીના કારણે દિગ્વેશની ત્રણ વખત મેચ ફી કાપવામાં આવી હતી અને એક મેચનો પ્રતિબંધ પણ લાગ્યો હતો. હવે દિલ્હી પ્રીમિયર લીગ 2025મા પણ દિગ્વેશ વ્યવહારના કારણે ચર્ચામાં આવ્યો છે. દિગ્વેશ સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સમાં સામેલ છે અને તે વેસ્ટ દિલ્હી લાયન્સ સામેના મેચ દરમિયાન નીતિશ રાણા સાથે બાખડી પડયો હતો.

મેચમાં વેસ્ટ દિલ્હીના કેપ્ટન નીતિશ રાણેએ દિગ્વેશના બોલ ઉપર મોટા શોટ્સ રમ્યા હતા અને બાદમાં મેદાનનું તાપમાન વધી ગયું હતું. નીતિશ અને દિગ્વેશ સામસામે આવી ગયા હતા. આ બનાવ બાદ આચાર સંહિતના ઉલ્લંઘન માટે દિગ્વેશ રાઠી ઉપર મેચ ફીના 80 ટકા દંડ લાગ્યો હતો. દિગ્વેશે ખેલ ભાવનાથી વિરુદ્ધ આચારણ કર્યું હતું. બીજી તરફ નીતિશ રાણાને મેચ ફીના 50 ટકા દંડ થયો છે. નીતિશે પણ આક્રમક વ્યવહાર બતાવ્યો હતો. આ ઉપરાંત અન્ય ત્રણ ખેલાડીઓને પણ દંડ થયો હતો. વેસ્ટ દિલ્હીના વિકેટકીપર કૃષ યાદવ ઉપર મેચ ફીના 100 ટકા દંડ થયો હતો. તેણે વિપક્ષી ટીમના ખેલાડીને બેટ બતાવ્યું હતું. જ્યારે સુમિત માથુરને મેચ ફીના 50 ટકા અને અમન ભારતીને મેચ ફીના 30 ટકા દંડ થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક