ટૂર્નામેન્ટનું સૌથી વિસ્ફોટક બેટિંગ યુનિટ આજે આમને-સામને : કમિન્સની વાપસીની સંભાવના
જયપુર,
તા.24: અત્રેના સવાઇ માનસિંહ સ્ટેડિયમ પર શુક્રવારના બીજા આઇપીએલ મેચમાં બેટિંગ પાવર
હાઉસ ટીમો રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે કાંટે કી ટક્કર થશે. બન્ને
ટીમમાં એક એકથી ચડિયાતા પાવર હિટર્સ હોવાથી અને પાટા વિકેટને લીધે આ મેચ હાઇ સ્કોરીંગ
થવાની પૂરી સંભાવના છે. આ મુકાબલામાં ટૂર્નામેન્ટનું સૌથી વિસ્ફોટક બેટિંગ યૂનિટ આમને-સામને
હશે. સનરાઇઝર્સે ઉપરાઉપરી ત્રણ વિજય પ્રાપ્ત કરી ફોર્મ હાંસલ કરી લીધું છે. તો રાજસ્થાનને
તેના પાછલા મેચમાં બેટધરોની નિષ્ફળતા વચ્ચે બોલરોના બળે લખનઉ સામે મહત્વની જીત મળી
હતી. આ મેચથી સનરાઇઝર્સના નિયમિત કપ્તાન પેટ કમિન્સની વાપસીની સંભાવના છે.
સનરાઇઝર્સનો
ફટકાબાજ અભિષેક શર્મા શાનદાર ફોર્મ હાંસલ કરી ચૂકયો છે. તેણે 200થી વધુની સ્ટ્રાઇક
રેટથી 323 રન બનાવ્યા છે. જેમાં એક તોફાની સદી (13પ) સામેલ છે. તેને હેનરિક કલાસેનનો
ભરપૂર સાથ મળી રહ્યો છે. ઇનચાર્જ કેપ્ટન ઇશાન કિશન સફળતાથી ટીમને નેતૃત્વ પૂરુ પાડી
રહ્યો છે. ટ્રેવિસ હેડ સર્વશ્રેષ્ઠ ફોર્મમાં નથી, પણ છતાં પાવર પ્લેમાં રન કરી રહ્યો
છે.
બીજી
તરફ રાજસ્થાન રોયલ્સ માટે સીઝન સારી રીતે આગળ વધી રહી છે. 7 મેચમાં પ જીતથી બીજા નંબર
પર છે. જો કે તેનો ચમત્કારિક 1પ વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશી પાછલા બે મેચથી પ્રેશરમાં
આવી ગયો છે અને ખરાબ શોટ મારી વિકેટ ભેટમાં આપે છે. ટીમની રફતાર વૈભવ અને યશસ્વીની
જોડી આજુબાજુ ફરતી રહે છે. આ બેની ભાગીદારી પરથી ટીમનો સંભવિત ટોટલ નિશ્ચિત બને છે.
કપ્તાન રિયાન પરાગનું ખરાબ ફોર્મ ટીમની સૌથી મોટી ચિંતા છે. હેટમાયર મેચ ફિનિશ કરી
રહ્યો નથી, રવીન્દ્ર જાડેજાએ બતાવી દીધું છે કે તેનામાં હજુ ક્રિકેટ બાકી છે. તેના
ઓલરાઉન્ડ દેખાવથી રાજસ્થાનને પાછલા મેચમાં લખનઉ સામે વિજય મળ્યો હતો.સ્પિનર રવિ બિશ્નોઇ
ટીમનો એકસ ફેક્ટર છે.