• શનિવાર, 25 એપ્રિલ, 2026

સગીરાને સાત મહિનાના ગર્ભપાતની મંજૂરી

સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ફેંસલો; 15 વર્ષની સગર્ભાને છૂટ સાથે કહ્યું,દત્તક, આર્થિક મદદના વિકલ્પો થોપીને જન્મ દેવા દબાણ અયોગ્ય

નવી દિલ્હી, તા. 24 : સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્ત્વના ફેંસલામાં સાત મહિના કરતાં વધુ સમયથી સગર્ભા 15 વર્ષની સગીરાને મેડિકલ ટર્મિનેશન (ગર્ભપાત)ની મંજૂરી આપી હતી. સગીરાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, હું સગર્ભાવસ્થા જારી રાખવા માગતી નથી.

જસ્ટિસ બી. વી. નાગરત્ના અને ઉઝવલ ભુઈયાંની ખંડપીઠે કહ્યું હતું કે, આ જન્મ લેનાર બાળકનો સવાલ નથી. જરૂરી એ છે કે, સગર્ભા ત્રી કે કન્યા શું ઈચ્છે છે. મહિલા બાળકને જન્મ નથી આપવા માગતી તો તેને મજબૂર ન કરી શકાય. ભલે પછી બાળકને જન્મ બાદ દત્તક લેવાનો વિકલ્પ મોજૂદ હોય.

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, મેડિકલ રિપોર્ટ જોતાં આ તબક્કા પર ગર્ભપાત માતા અને બાળક બન્ને માટે જોખમી બની શકે છે. મહેતાએ ડિલિવરી બાદ બાળક દત્તક આપવાનું સૂચન કર્યું હતું.

સોલિસીટર જનરલે જણાવ્યું હતું કે, બાળકને સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી મારફતે દત્તક આપવાની વ્યવસ્થા કરી શકાય, જેથી સગીરા અને તેના પરિવારની ઓળખ પણ સુરક્ષિત રહે. તેમણે સગીરાને આર્થિક મદદનો પ્રસ્તાવ પણ આપ્યો હતો.

જો કે, જસ્ટિસ નાગરરત્નાએ આ તર્ક પર સવાલ ઊઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોર્ટ ગર્ભપાતનાં સ્થાને દત્તક, આર્થિક મદદ જેવા વિકલ્પો અપનાવવા માટે મજબૂર કરી શકે નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક