• શનિવાર, 25 એપ્રિલ, 2026

એશિયન ગેમ્સ-2038ની યજમાની માટે અમદાવાદની દાવેદારી ભારતીય ઓલિમ્પિક સંઘે એશિયન ગેમ્સ પરિષદ સમક્ષ રજૂઆત કરી

નવી દિલ્હી, તા.24: અમદાવાદના આંગણે વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે. આ પછી 2036ના ઓલિમ્પિક માટે ભારતે અમદાવાદની દાવેદારી રજૂ કરી દીધી છે. હવે 2038 એશિયન ગેમ્સની યજમાની માટે અમદાવાદને આગળ કર્યું છે.

ભારતે સત્તાવાર રીતે વર્ષ 2038ના એશિયન ગેમ્સના આયોજન માટે પોતાની રજૂઆત કરી છે. ભારતીય ઓલિમ્પિક સંઘના એક ટોચના અધિકારીએ આ જાણકારી આપી હતી. આ સંબંધે ભારતીય ઓલિમ્પિક સંઘ (આઇઓએ) દ્વારા ઓલિમ્પિક એશિયાઇ પરિષદ (ઓસીએ)ને એશિયન ગેમ્સ-2038ની યજમાની કરવાની સત્તાવાર રજૂઆત સોંપી છે. તાજેતરમાં ચીનના સાન્યા શહેરમાં ઓએસીની કાર્યકારી બોર્ડની બેઠક યોજાઇ હતી. સાન્યા શહેરમાં 22 એપ્રિલથી એશિયન બીચ ગેમ્સનો પ્રારંભ થયો છે.

આઇઓએના મુખ્ય કાર્યકારી અધિકારી રઘુરામ અય્યરે જણાવ્યું કે ભારતમાં 2030ના કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે. જયારે 2036 ઓલિમ્પિક માટે પણ દાવો રજૂ કરાયો છે અને હવે 2038 એશિયન ગેમ્સની યજમાની માટે પ્રયાસ શરૂ કરાયા છે. કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થવાનું છે. 2036 ઓલિમ્પિક માટે ભારતે અમદાવાદને હોસ્ટ સિટી તરીકે રજૂ કર્યું છે અને હવે 2038 એશિયન ગેમ્સ માટે પણ અમદાવાદને યજમાન શહેર તરીકે આગળ કર્યું છે. અય્યરે જણાવ્યું કે હાલ અમે ફકત રજૂઆત કરી છે. બાદમાં આગળની પ્રક્રિયા થશે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક