• શનિવાર, 25 એપ્રિલ, 2026

ફરી CEC જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગની માગ કોંગ્રેસ સહિત 73 સાંસદોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

સાંસદોએ રાષ્ટ્રપતિને સંબોધિત એક પત્રમાં મુખ્ય ચૂંટણી  કમિશનરને તેમના પદ પરથી હટાવવાની માગ કરી 

નવી દિલ્હી, તા. 24 : દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 73 વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં મહાભિયોગ ચલાવવાની પ્રક્રિયા શરૂ કરવા માટે રાષ્ટ્રપતિને એક નોટિસ સોંપી છે. કોંગ્રેસના સંચાર પ્રભારી જયરામ રમેશે આ જાણકારી આપતા જણાવ્યું કે, સાંસદોએ રાષ્ટ્રપતિને સંબોધિત એક પત્રમાં મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના પદ પરથી હટાવવાની માગ કરી છે.  સાંસદો દ્વારા સોંપવામાં આવેલી નોટિસમાં મુખ્ય ચૂંટણી કમિશનર પર સાબિત થયેલ ગેરવર્તણૂકનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ગેરવર્તણૂક 15 માર્ચ 2026 કે તેના પછી કરવામાં આવેલા કાર્યો અને ચૂક સાથે સંબંધિત છે. આ આરોપને ભારતીય બંધારણની કલમ 324 (5) ની સાથે કલમ 124 (4) હેઠળ, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023ની કલમ 11 (2) અને ન્યાયાધીશ (તપાસ) અધિનિયમ, 1968 હેઠળ વર્ણવવામાં આવ્યો છે.

જયરામ રમેશના જણાવ્યા મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ નવ વિશિષ્ટ આરોપો છે, જે વિગતવાર દસ્તાવેજીકૃત કરવામાં આવ્યા છે અને જેને નકારી કે છુપાવી શકાતા નથી. તેમણે કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનરનું પદ પર ટકી રહેવું એ બંધારણ પર હુમલો છે અને તે અત્યંત શરમજનક છે કે તેઓ વડાપ્રધાન અને ગૃહમંત્રીના ઇશારે કામ કરી રહ્યા છે.

ભારતીય બંધારણની કલમ 324(5) મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનરને માત્ર સાબિત થયેલ ગેરવર્તણૂક અથવા અક્ષમતાના આધારે જ રાષ્ટ્રપતિના આદેશથી હટાવી શકાય છે. આ માટે સંસદના બંને ગૃહો, એટલે કે લોકસભા અને રાજ્યસભા દ્વારા એક જ સત્રમાં એ પ્રસ્તાવનું સમર્થન કરવું આવશ્યક છે, જેમાં કુલ સભ્યોની બહુમતી અને હાજર રહી મતદાન કરનારા  સભ્યોના ઓછામાં ઓછા બે-તૃતિયાંશ બહુમતીનું સમર્થન હોય. મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023 અને ન્યાયાધીશ (તપાસ) અધિનિયમ, 1968, આ પ્રક્રિયા માટે વિગતવાર નિયમો અને પ્રક્રિયાઓ નિર્ધારિત કરે છે. આ પ્રક્રિયાઓમાં આરોપોની તપાસ, સાક્ષીઓના નિવેદનો અને બચાવની તક સામેલ હોય છે. બીજી તરફ, કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે ચૂંટણી પંચ પર ભાજપના એક વિભાગની જેમ કામ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને વડાપ્રધાન વિરુદ્ધ તેમની ટિપ્પણીઓ પર તરત જ નોટિસ જાહેર કરી દીધી, જ્યારે નરેન્દ્ર મોદીના હાલના જાહેર ભાષણ પર કોઈ કાર્યવાહી કરી નથી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક