આપમાં મોટું ભંગાણરાજ્યસભામાં આપનાં 10 સાંસદોમાંથી 7નો ભાજપમાં વિલય
નવીદિલ્હી,તા.24:
આમઆદમી પાર્ટીને વર્ષ 2012માં પક્ષ રચના પછીનો સૌથી મોટો રાજકીય ઝટકો આજે લાગ્યો હતો.
રાઘવ ચઢ્ઢા સહિત સાત રાજ્યસભા સાંસદોએ આજે આમઆદમી પાર્ટી સામે બળવો પોકારીને પક્ષમાં
ભૂકંપ સર્જી દીધો હતો. રાજ્યસભાનાં 10માંથી 7 સાંસદ એટલે કે, બે તૃત્યાંશ સદસ્યોએ આપ
છોડીને ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લેતા આપમાં મોટું ભંગાણ પડયું છે. આપ સાથે છેડો ફાડયા
બાદ રાઘવ ચઢ્ઢા આજે ભાજપમાં સામેલ થઈ ગયા હતાં. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને
તેમને ભાજપની સદસ્યતા આપી હતી. રાઘવ ચઢ્ઢા,
અશોક મિત્તલ અને સંદીપ પાઠકે
આજે
એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને આપ છોડીને ભાજપમાં જોડાવાની ઘોષણા કરી હતી. ચઢ્ઢાએ
કહ્યું હતું કે, રાજ્યસભામાં આપનાં કુલ સદસ્યોમાંથી બે તૃત્યાંશ સદસ્યએ બંધારણની જોગવાઈને
અનુરૂપ ભાજપમાં વિલય કરવાનો નિર્ણય લીધો છે. ચઢ્ઢા, મિત્તલ અને પાઠક ઉપરાંત હરભજન સિંહ,
રાજીન્દર ગુપ્તા, વિક્રમ સહાની અને સ્વાતિ માલીવાલે આપનું ઝાડું છોડીને કમળ ધારણ કરવાનો
નિર્ણય લીધો હતો.
ચઢ્ઢાએ
આપમાં ભંગાણની જાહેરાત કરતાં કહ્યું હતું કે, રાજ્યસભામાં આપનાં 10 સાંસદ છે અને તેમાંથી
બે તૃત્યાંશ અમારી સાથે છે. તેમણે આ તમામનાં હસ્તક્ષાર સાથે ભાજપમાં વિલયનો દસ્તાવેજ
રાજ્યસભાનાં સભાપતિને સોંપી દીધો છે.
ચઢ્ઢાએ
કહ્યું હતું કે, જે આમઆદમી પાર્ટીને અમે અમારા લોહી-પસીનાથી સીંચ્યો અને અમારી જુવાનીનાં
1પ વર્ષ આપ્યા તે હવે પોતાનાં સિદ્ધાંતો, મૂલ્યો અને નૈતિકતાથી ભટકી ગયો છે. આ પક્ષ
હવે દેશહિતમાં કામ નથી કરતો બલ્કે અંગત ફાયદા માટે કામ કરે છે. છેલ્લા કેટલાક વર્ષથી
લાગતું હતું કે, હું ખોટા પક્ષમાં સાચો માણસ આવી ગયો છું. એટલે આપથી અલગ થઈને હવે જનતાની
નજીક જઈ રહ્યો છું. હું તેમનાં કથિત ખોટા કામોનો ભાગ બનવા નથી માગતો. હું તેમની મિત્રતાને
યોગ્ય નથી કારણ કે હું તેમનાં કામોમાં સામેલ થયો નથી. અમારી પાસે બે વિકલ્પ હતાં. કાં
તો રાજકારણ છોડવું અન્યથા સકારાત્મક રાજનીતિ કરવી. એટલે અમે નિર્ણય કર્યો છે કે, બંધારણની
જોગવાઈનો ઉપયોગ કરીને ભાજપમાં વિલય કરવો. ઉલ્લેખનીય છે કે, જો કોઈપણ વિધાનગૃહમાંથી
કોઈ પક્ષનાં બે તૃત્યાંશ સદસ્યો એક સાથે અન્ય પક્ષમાં વિલય કરે તો તેનાં ઉપર પક્ષપલટા
ધારો લાગું થતો નથી અને તેનો જ ઉપયોગ કરીને ચઢ્ઢા સહિતનાં સાંસદો ભાજપમાં વિલય કરી
ગયા છે.
ભાજપે
ફરી પંજાબીઓ સાથે દગો કર્યો : કેજરીવાલ
નવી
દિલ્હી, તા. 24 : આમ આદમી પાર્ટીના પ્રમુખ નેતા રાઘવ ચઢ્ઢાના પક્ષ છોડીને ભાજપમાં જોડાવાના
નિર્ણયથી રાજકીય માહોલ અચાનક જ ગરમ થયો છે. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા દિલ્હીના પુર્વ
મુખ્યમંત્રી અને આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલે ભાજપ ઉપર નિશાન તાક્યું હતું. કેજરીવાલે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર માત્ર એક લાઈનમાં લખ્યું હતું કે ભાજપે ફરીથી પંજાબીઓ
સાથે દગો કર્યો છે. આ સાથે ભાજપ દ્વારા ઓપરેશન
લોટસ થયું હોવાનો આરોપ મુકાયો હતો અને પંજાબની વિધાનસભામાંથી પણ આપના વિધાયકોને તોડવાનું
ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
દિલ્હીના
પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એક્સ ઉપર પોસ્ટ કરી હતી કે તેઓ ત્રણ દિવસથી ગુજરાતમાં
છે, ગુજરાતમાં હજારો કાર્યકર્તા પોતાનો જીવ જોખમમાં મુકીને તમામ ખતરા અને ભાજપની ધમકીઓ
સહન કરીને આપની વિચારધારા મજબૂત કરવા લોહી પરસેવો વહાવી રહ્યા છે ત્યારે અમુક ગદ્દારોએ
પંજાબના કાર્યકરોની મહેનતનો સોદો કરી લીધો છે. જે રાજ્યસભા સભ્યો ભાજપ સામે નમી ગયા છે તેઓએ પોતાની અંગત મજબૂરી, ડર અને લાલચના
કારણે પંજાબના લોકો સાથે ગદ્દારી કરી છે અને પંજાબ તેઓને ક્યારેય માફ કરશે નહી.
કોંગ્રસ
નેતા ઉદીત રાજે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હવે એવી સ્થિતિ બની છે કે આપનો એક
મોટો હિસ્સો ભાજપમાં ગયો છે. તેમના અનુસાર જ્યારે કોઈ પાર્ટીના બે તૃતિયાંશ સભ્ય અલગ
થાય છે ત્યારે તે સમૂહને માન્યતા મળી જાય છે.
પંજાબના
મુખ્યમંત્રી ભગવંત માને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ભાજપ સીધી ચૂંટણી જીતી શકતો
ન હોવાથી ‘િતકડમબાજી’ મારફતે પંજાબની રાજનીતિને પ્રભાવિત કરવાની કોશિશ કરે છે. પહેલા
આરટીએફના પૈસા રોકવામાં આવ્યા અને હવે અલગ રીતે માહોલ બનાવવાની કોશિશ થઈ છે. તેમણે
ઈશારો કર્યો હતો કે ઘણી વખત કેન્દ્ર સરકારે દબાણ બનાવવા આર્થિક અને પ્રશાસનિક કદમ ઉઠાવ્યા
છે.
આપ
નેતા સંજય સિંહે ભાજપ અને તેના શીર્ષ નેતૃત્વ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપે
ગંદી રાજનીતિ કરી છેઅ ને જનહિતના કામોને રોકવાની સાજિશ રચવામાં આવી છે.
આરજેડી
પ્રમુખ તેજસ્વી યાદવે કહ્યું હતું કે જે લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે તેઓ સંઘર્ષ નહી
સમજૂતી કરનારા લોકો છે, ડરનો માહોલ છે, જે ડરી ગયા છે તે ભાજપની શરણમાં ગયા છે અને
લડી રહ્યા છે તેઓ ભાજપની સામે આજે પણ છે.
50
વિધાયક પણ જશે : આપને કોંગ્રેસનું એલર્ટ
નવી
દિલ્હી, તા. 24 : આમ આદમી પાર્ટીથી રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ અરવિંદ કેજરીવાલને મોટો
ઝટકો આપ્યો છે. ચઢ્ઢા આમ આદમી પાર્ટીના બે તૃતિયાંશ રાજ્યસભા સાંસદોને લઈને ભાજપમાં જોડાવાનું એલાન કરતા જ પંજાબમાં પણ ઉથલપાથલની
આશંકાઓ શરૂ થઈ હતી. આ દરમિયાન પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગે
આપને સચેત રહેવાની સલાહ આપી હતી અને શંકા વ્યક્ત કરી હતી કે આપના 50 વિધાયક પણ ભાજપમાં
સામેલ થઈ શકે છે. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, આપે પૈસા જોઈને લોકોને રાજ્યસભા
સીટ આપી છે. તેવામાં આવા લોકોની કોઈ વિચારધારા હોતી નથી. તેઓને હવે ડર છે કે આપના
50 વિધાયકો પણ તૂટી શકે છે.
રાજ્યસભામાં
એનડીએનું સંખ્યાબળ વધીને 148
નવી
દિલ્હી, તા.24: આપનાં સાત રાજ્યસભા સદસ્યોએ કરેલા વિદ્રોહની સીધી અસર રાજ્યસભાનાં આંકડા
ઉપર પડવાની છે. આનાં હિસાબે રાજ્યસભામાં ભાજપ અને એનડીએ મજબૂત બનશે અને તેની સભ્ય સંખ્યા
વધીને 148 થઈ જશે. બીજીબાજુ આપનું સંખ્યાબળ માત્ર 3 થઈ જશે.