• શનિવાર, 25 એપ્રિલ, 2026

પંજાબની બાધા પાર કરવાનો દિલ્હી સામે પડકાર

અપરાજિત પંજાબ કિંગ્સ સામે જીત માટે દિલ્હી કેપિટલ્સે સામૂહિક શ્રેષ્ઠ દેખાવ કરવો પડશે

નવી દિલ્હી, તા.24:આઇપીએલમાં શનિવારે ડબલ હેડર છે. પહેલા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ આમને-સામને હશે. દિલ્હી કેપિટલ્સને તેના અભિયાનને ફરી પટરી પર લાવવાની તલાશ છે. બીજી તરફ પંજાબ કિંગ્સ અપરાજિત છે અને પોઇન્ટ ટેબલ પર ટોચ પર છે. પંજાબની બાધા પાર કરવા દિલ્હીએ સર્વશ્રેષ્ઠ દેખાવ કરવો પડશે. પાછલા મેચમાં સનરાઇઝર્સ વિરૂધ્ધ 47 રને હાર સહન કરનાર દિલ્હી માટે વાપસીની રાહ ઘણી કઠિન છે. કારણ કે તેના ખેલાડીઓ સામૂહિક દેખાવ કરી રહ્યા નથી. પંજાબનો પ્લસ પોઇન્ટ સામૂહિક શાનદાર દેખાવ છે.

દિલ્હી કેપિટલ્સ પોઇન્ટ ટેબલ પર હાલ 6 નંબર પર છે. તેના ખાતામાં 6 મેચમાં 3-3 જીત-હાર છે. આ સામે પંજાબ કિંગ્સ 6 મેચમાં પ જીતથી 11 અંક સાથે શિર્ષ પર છે. તેણે એકમાત્ર અંક કોલકતા સામે ગુમાવ્યો હતો. મેચ વરસાદમાં રદ થયો હતો. દિલ્હીની સૌથી મોટી સમસ્યા બેટિંગમાં અસ્થિરતા છે. કેએલ રાહુલ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ અને સમીર રિઝવીએ કેટલીક ઇનિંગમાં યોગદાન આપ્યું છે, પણ ટીમ એક સાથે દેખાવ કરવામાં નિષ્ફળ રહી છે. ઓપનર પથૂમ નિસંકા સ્કોર કરી રહ્યો નથી. કપ્તાન અક્ષર પટેલ હરફનમૌલા દેખાવથી હજુ વંચિત છે. તેની કપ્તાની પણ સવાલોમાં ઘેરાયેલી છે. દિલ્હીની ફિલ્ડીંગ ચિંતાનો વિષય છે. સનરાઇઝર્સ સામે આસાન કેચ છોડયા હતા.

બીજી તરફ પંજાબના બેટધરો શાનદાર ફોર્મમાં છે. પ્રિયાંશ આર્ય, પ્રભસિમરનસિંઘ, કૂપર કોનોલી અને કપ્તાન શ્રેયસ અય્યરની બેટિંગમાં આક્રમક અંદાજ અને સાતત્ય જોવા મળે છે. તેની બોલિંગ પણ સંતુલિત છે. જે સતત યોગદાન આપી રહી છે. વર્તમાન ફોર્મ જોતા શનિવારના મેચમાં દિલ્હી સામે પંજાબ વિજયનું પ્રબળ દાવેદાર છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક