• શનિવાર, 25 એપ્રિલ, 2026

પેટીએમને ઝટકો : પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ રદ

ગ્રાહકોને ડરવાની જરૂરિયાત નહી, પૈસા સુરક્ષિત અને પરત મળશે : RBI હાઈ કોર્ટમાં જઈને બેંકને કાનૂની રીતે  બંધ કરાવવા કાર્યવાહી કરશે

 

નવી દિલ્હી, તા. 24 : ભારતીય રિઝર્વ  બેંક (આરબીઆઈ)એ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડનું લાયસન્સ રદ કરી દીધું છે. એટલે કે પેટીએમ પેમેન્ટ્સ બેંક હવે બેંકિંગનું કોઈપણ કામ કરી શકશે નહી. આ નિર્ણય તાકીદના પ્રભાવથી લાગુ થયો છે. આરબીઆઈએ સાફ કહ્યું છે કે બેંકમાં જે લોકોએ પૈસા જમા કરાવ્યા છે તે સુરક્ષિત છે અને પરત મળી જશે. આરબીઆઈ હવે આ બેંકને બંધ કરાવવા માટે હાઈ કોર્ટમાં પણ જશે.

આ અગાઉ પણ આરબીઆઈ દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેંક ઉપર કાર્યવાહી કરી હતી. આરબીઆઈએ બેંકમાં પાલન ન થનારા નિયમો અને મેનેજમેન્ટની કમીઓના કારણે ચેતવણી આપી હતી. જો કે સ્થિતિમાં સુધારો ન આવતા અંતે આરબીઆઈએ સૌથી મોટું પગલું ભરતા લાયસન્સ જ રદ કરી દીધું છે. આરબીઆઈએ કાર્યવાહી પાછળના ચાર કારણ બતાવ્યા છે. પહેલા કારણ અનુસાર બેંક એવી રીતે ચલાવવામાં આવી રહી હતી જે બેંક અને તેના ગ્રાહકો માટે નુકસાનકારક હતું. બીજા કારણમાં બેંક મેનેજમેન્ટની સંચાલન ક્ષમતા ગ્રાહકો અને સામાન્ય લોકોના હિતમાં નહોતી. ત્રીજા કારણમાં આરબીઆઈને લાગ્યું હતું કે બેંકને ચાલવા દેવાથી દેશ કે બેંકને કોઈ ફાયદો થશે નહી. આ ઉપરાંત ચોથા અને અંતિમ કારણમાં બેંકે એ શરતો પુરી કરી નહોતી જે આરબીઆઈએ પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ આપવા સમયે આપી હતી.  કાર્યવાહી સાથે આરબીઆઈએ ભરોસો આપ્યો છે કે જે લોકોએ પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં રૂપિયા જમા કરાવ્યા છે તે એકદમ સુરક્ષિત છે અને ગ્રાહકોને ડરવાની કોઈ જરૂરીયાત નથી. આ સાથે જ પેટીએમ પેમેન્ટ્સ બેંકની  તમામ બેંકિંગ સેવાઓ બંધ થઈ છે. આરબીઆઈ હવે આ મામલે હાઈ કોર્ટમાં જશે અને બેંકને કાનૂની રીતે બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરશે એટલે કે બેંકે તમામ હિસાબકિતાબ પુરો કરીને તાળા મારવા પડશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક