• શનિવાર, 25 એપ્રિલ, 2026

ચાબહાર પોર્ટમાં હિસ્સો વેચશે ભારત ?

ઈરાની કંપનીને હિસ્સેદારી વેચવાની યોજના હોવાના અહેવાલ: જો કે સત્તાવાર એલાન નહી

 

નવી દિલ્હી, તા. 24 : ઈરાનના ચાબહાર પોર્ટ અંગે ભારત આગામી ટૂંક સમયમાં મોટો નિર્ણય કરી શકે છે. અહેવાલ છે કે ભારત પોતાની હિસ્સેદારીને ઈરાનની કંપનીને વેચવાની યોજના બનાવી રહ્યું છે. આ મામલે હજી સુધી સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી શકી નથી. હકીકતમાં અમેરિકા દ્વારા લગાડવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે ભારતને આપવામાં આવેલી છૂટ 26 એપ્રિલના પુરી થઈ રહી છે. કહેવાય છે કે ભારત ચાબહાર ઉપર સંચાલન મુદ્દે અન્ય ઉપાયો પણ વિચારી રહ્યું છે.

માર્ચ મહિનામાં સંસદની વિદેશ મામલાની સમિતિએ કહ્યું હતું કે વર્તમાન ઘટનાક્રમથી ભારત માટે મહત્વપૂર્ણ અને રણનીતિક મહત્વના ચાબહાર પોર્ટના ભવિષ્ય ઉપર સંકટના વાદળ છવાયા છે. જો કે ઘટનાક્રમો છતાં પણ કેન્દ્ર દ્વારા પ્રભાવોને દૂર કરવા માટે સંબંધિત પક્ષો સાથે સંપર્ક રાખ્યો હોવાની વાતનું સ્વાગત કર્યું હતું. સમિતિનું માનવું છે કે ચાબહાર, ભારત માટે મહત્વપૂર્ણ અને રણનીતિક મહત્વનું પોર્ટ છે કારણ કે તે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચ પ્રદાન કરે છે.

રિપોર્ટ અનુસાર હવે ભારત ચાબહાર પોર્ટ પ્રોજેક્ટમાં પોતાની હિસ્સેદારી કોઈ ઈરાની કંપનીને વેચવાની તૈયારીમાં છે. આ માટે તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં કહેવાયું છે કે આઈજીપીએલ હવે ઈન્ડિયા પોર્ટસ ગ્લોબલ ચાબહાર ફ્રી ઝોનમાં  

પોતાની ભાગીદારી ઈરાની કંપનીને વેચી દેશે. જો કે હજી સુધી સ્પષ્ટ નથી કે ઈરાની કંપની કઈ છે. સરકાર તરફથી પણ કોઈ સત્તાવાર એલાન કરવામાં આવ્યું નથી.

 

શાંતિ વાટાઘાટની આશાએ ઈસ્લામાબાદમાં અઠવાડિયાથી લોકડાઉન : લોકોમાં રોષ

 

ઈઝરાયલ-લેબનોન વચ્ચે યુદ્ધવિરામ લંબાવાયો : ટ્રમ્પે કહ્યું, ઈરાન પાસે સમજૂતી કરવા વધુ ટાઈમ નથી

 

નવીદિલ્હી,તા.24: ઈઝરાયલ અને લેબનોન વચ્ચે રવિવારે યુદ્ધવિરામ પૂર્ણ થાય તે પહેલા જ તેને વધુ ત્રણ સપ્તાહ માટે લંબાવવા બન્ને પક્ષ વચ્ચે સહમતી બની ગઈ હોવાની ઘોષણા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઈરાને અમેરિકા સામે યુદ્ધવિરામની વાટાઘાટ માટે લેબનોનમાં યુદ્ધવિરામની શરત પણ રાખી હતી. આમ, અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર વાટાઘાટની શક્યતા વધી ગઈ છે. જો કે આમાં શાંતિદૂતની ભૂમિકા ભજવતા પાક. બરાબરનું મૂંઝવણમાં મૂકાઈ ગયું છે. અમેરિકા કે ઈરાનનાં પ્રતિનિધિમંડળ વાટાઘાટ માટે પાકિસ્તાન પહોંચ્યા નથી પણ તેની તૈયારીમાં ઈસ્લામાબાદમાં કોરોના લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઈસ્લામાબાદમાં વેપાર-ધંધા અને પરિવહન ઠપ થઈ ગયા છે. જેનાં હિસાબે જનતામાં પણ ભારે રોષ ઉઠતો જોવા મળી રહ્યો છે.

ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકામાં ઈઝરાયલ અને લેબનોનનાં રાજદૂત વચ્ચે  થયેલી બેઠક સાર્થક રહી છે. તેમણે આગળ કહ્યું હતું કે, ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વિશે પણ વિચારવું પડશે. લેબનોને હિઝબુલ્લાથી બચાવવામાં મદદ કરવા માટે લેબનોનની સાથે મળીને કામ કરવું પડશે. બીજીબાજુ ઈરાનને ફરી એકવાર કડક ચેતવણી આપતાં ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાન માટે વોશિંગ્ટન સાથે શાંતિ સમજૂતી કરવાનો સમય નીકળતો જાય છે. ટ્રમ્પે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે અમેરિકાનું ત્રીજું વિમાનવાહક જહાજ મધ્યપૂર્વની ખાડીમાં પહોંચી ગયું છે.

ટ્રમ્પે કહ્યું હતું કે, પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની તેમની કોઈ યોજના નથી. તેમણે કહ્યું હતું કે, પરંપરાગત શત્રોથી જ ઈરાનની સૈન્ય શક્તિ તબાહ થઈ ગઈ છે તો અણુ શત્રનાં ઉપયોગનો સવાલ જ ક્યાં આવે છે? તેમણે આગળ કહ્યું હતું કે, તેમની પાસે તો દુનિયાભરનો સમય છે પણ ઈરાન પાસે સમય નથી. ઘડિયાળનાં કાંટા ટીક-ટીક કરી રહ્યાં છે. ટ્રમ્પે આગળ કહ્યું હતું કે, તેમણે હોર્મુઝમાં કોઈપણ ઈરાની જહાજ દેખાય તો તેને ઉડાડી નાખવા નિર્દેશ આપેલા છે.

અમેરિકા અને ઈરાનનાં પ્રતિનિધિમંડળ વચ્ચે વાટાઘાટની આશાએ ઈસ્લામાબાદમાં પ્રતિબંધાત્મક આદેશો આપીને માર્ગો અને બજારોને ગત રવિવારથી બંધ કરાવી નાખવામાં આવ્યા છે. આ વાટાઘાટો માટે 10 હજારથી વધુ જવાનોને તૈનાત સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલા છે. એક અઠવાડિયા જેટલો સમય વીતી જવા છતાં હજી પણ આ શાંતિ વાટાઘાટોનાં કોઈ અણસાર મળી રહ્યાં નથી અને આમાં સ્થાનિકોની ધીરજ હવે જવાબ આપવા લાગી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક