• શનિવાર, 25 એપ્રિલ, 2026

બંગાળની મતદાર યાદીમાંથી ચૂંટણી અધિકારીઓ જ ગાયબ સુપ્રીમ કોર્ટે સુનાવણીનો કર્યો ઈનકાર : ટ્રિબ્યુનલ સમક્ષ જવા કહ્યું

નવી દિલ્હી, તા. 24 : સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર દરમિયાન જે લોકોના નામ હટાવવામાં આવ્યા હતા તેમની અરજી ઉપર સુનાવણીનો સાફ ઈનકાર કરી દીધો હતો. એસઆઈઆરની કામગીરી દરમિયાન જે લોકોના નામ કમી થયા છે તેમાં ચૂંટણી ફરજમાં તૈનાત લગભગ 65 અધિકારી પણ સામેલ છે. આ મામલાની સુનાવણી ભારતના મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વિપુલ પંચોલીની પીઠે કરી હતી.

અરજકર્તા તરફથી રજૂ વકીલે અદાલતને કહ્યું હતું કે, ઘણા અધિકારીઓના નામ કોઈ નક્કર કારણ વિના મનઘડંત રીતે મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. 65 અરજકર્તા ચૂંટણી ફરજ ઉપર છે અને ફરજના આદેશમાં તેમના મતદાર કાર્ડના નંબર સ્પષ્ટ રીતે નોંધાયેલા છે. તેમ છતાં હવે નંબર યાદીમાંથી હટાવી લેવાયા છે એટલે કે જે લોકો ચૂંટણી કરાવી રહ્યા છે તેઓ પોતે જ મત આપી શકતા નથી.

મામલામાં પીઠે અરજકર્તાઓને રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો અને ટ્રિબ્યુનલ સમક્ષ જવા કહ્યું હતું. જેઓને શીર્ષ અદાલતના આદેશ ઉપર જ એસઆઈઆર સંબંધિત ફરિયાદોને સાંભળવા બનાવવામાં આવી છે. ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીએ કહ્યું હતું કે જે લોકોની અપીલ પેન્ડિંગ છે તેઓ બંગાળમાં ચાલી રહેલી ચૂંટણીમાં મતદાન કરી શકશે નહી પણ પોતાની અપીલની પ્રક્રિયા ચાલુ રાખી શકે છે, જેથી ભવિષ્યમાં મતદાર યાદીમાં નામ સામેલ થઈ શકે.

 

ઇ-પેપરના નવા શુલ્ક