અમદાવાદ,તા.24
રાજ્યમાં
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટેનો હાઈવોલ્ટેજ પ્રચાર શુક્રવારે સાંજે 5 વાગ્યે
થંભી ગયો છે. હવે રવિવારે, 26મી એપ્રિલે રાજ્યના 4.19 કરોડ મતદારો પોતાનો મતાધિકાર
વાપરીને ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં સીલ કરશે. જેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા,
34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. રાજ્યના કુલ 4.90 કરોડમાંથી
4.19 કરોડ એટલે કે કુલ 95 ટકા મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના હોવાથી
આ વખતની ચૂંટણીને ઐતિહાસિક અને વિધાનસભાની સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે કારણ
કે તેના પરિણામો રાજ્યની આવનારી રાજકીય દિશા અને સમીકરણો માટે મહત્વપૂર્ણ સંકેત આપનારા
સાબિત થશે.
છેલ્લા
કેટલાંક દિવસોથી રાજકીય પક્ષોના ટોચના નેતાઓ, સ્ટાર પ્રચારકો અને ઉમેદવારો દ્વારા જોરશોરથી
ચલાવાયેલા મેરાથોન પ્રચાર ઉપરાંત છેલ્લા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી
હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપરાંત કોંગ્રેસ-આમ આદમી પાર્ટીના ટોચના
નેતાઓના રોડ-શો, પ્રચાર રેલીઓ પર હવે સંપૂર્ણ વિરામ મૂકાઈ ગયો છે. હવે, 25મીના શનિવારનો
દિવસ મતદારો માટે શાંતિમય તરીકે અંતિમ વિચારમંથનનો અવસર બનશે. પરંતુ રાજકીય પક્ષો અને
ઉમેદવારો માટે આ દિવસ ડોર-ટુ-ડોર પ્રચાર, સમાજના અગ્રણીઓ-મોભીઓને મનાવવા, રાજકીય સોગઠા-ચૂંટણીના
દિવસનું વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં અને સંભવિત ડેમેજ કંટ્રોલ કરવામાં પસાર થશે. 26મીના
રવિવારે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે.
સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાઓમાં સંભવત: પ્રથમવાર સત્તાધારી ભાજપ તરફથી આટલો દમદાર ચૂંટણી પ્રચાર
કરાયો હશે. અસહ્ય ગરમીને કારણે રેલીઓ-સભાઓ યોજવામાં નેતાઓ-ઉમેદવારોને ખાસ્સો પરસેવો
પાડવો પડ્યો છે. આમ છતાં લોકોએ મન કળાવા દીધું નથી. પ્રચારના આખરી દિવસે રાજકીય ગરમાવો
તેની ચરમસીમાએ જોવા મળ્યો હતો. રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો દ્વારા રોડ-શો, જાહેર
સભાઓ અને ટાર્ગેટેડ કેમ્પેઇન દ્વારા મતદારોને પ્રભાવિત કરવાનો આખરી પ્રયત્ન કરવામાં
આવ્યો હતો.
આ વખતની
સૌથી આકર્ષક બાબત એ હતી કે, પ્રચારના અન્ય માધ્યમોની સરખામણીમાં ઉમેદવારો-રાજકીય પક્ષોએ
સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરીને પોતાના એજન્ડા અને વચનોને વ્યાપક રીતે લોકો સુધી
પહોંચાડવાનો પ્રયાસ
કર્યો
હતો.