• મંગળવાર, 16 જૂન, 2026

પાકિસ્તાનને પાઠ ભણાવવો અનિવાર્ય

પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીર-જમ્મુના  લોકો ઉપર થયેલા દમન- હત્યાકાંડની સામે ભારતે આપેલી પ્રતિક્રિયા સમયસરની અને આવશ્યક છે. પાકિસ્તાની સેનાના ગોળીબારમાં 30 લોકોનાં મૃત્યુ થયાં, અનેક લોકો ઘાયલ થયા. અમાનુષી, અત્યંત બર્બર એવા કૃત્ય બદલ પાકિસ્તાનને તો શરમ ન આવે તે સમજી શકાય ઉલટું ત્યાં તો અનેક લોકોની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દેવાયા. પાકિસ્તાનની સરકાર સામે ત્યાંના લોકોનો જે અસંતોષ છે તેને ડામવા માટે પીઓકેના લોકો સાથે આવું વર્તન થયું છે. ગયા વર્ષના ઓક્ટોબરમાં પાકિસ્તાન સરકારે મુઝફ્ફરાબાદના લોકોની સમસ્યાનો હલ લાવવાના વાદા કર્યા હતા તે પોકળ સાબિત થયા છે.

પાયાની સુવિધાનો અભાવ, વધતી મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે, ધૈર્ય ગુમાવી ચૂકી છે અને આવું પ્રથમવાર નથી. પાકિસ્તાન કબજાગ્રસ્ત આ ભારતીય ભૂભાગમાં વસતા લોકો પોતાની ઉપેક્ષા અને દુર્દશાથી ત્રસ્ત થઈને ઉશ્કેરાઈ ગયા હોય તેવું અગાઉ પણ બન્યું છે. જ્યારે જ્યારે તેમણે આવું કર્યું ત્યારે તેમને સમસ્યાના ઉકેલને બદલે ફક્ત ત્રાસ મળ્યો છે. કબજાગ્રસ્ત ભારતના કુદરતી સંશાધન, સંપદાનો ઉપયોગ તો કરે છે પરંતુ પાયાની સુવિધા ઉપલબ્ધ નથી કરાવતા. કાશ્મીર સમસ્યાને સતત જીવંત રાખવામાં રત પાકિસ્તાન પોતાની ધરતી ઉપર વસતા લોકોની સુખાકારીની ઉપેક્ષા કરે છે. હવે એ સમય છે કે ભારત ફક્ત આ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મિર માટે ચિંતા જ કર્યા કરવાને બદલે નક્કર પગલાં પણ લેવા જોઈએ, આ જ ત્યાંના લોકોની અપેક્ષા છે. બ્રિટનના સાંસદોએ આ ઘટનાની ચિંતા કરી પરંતુ યુરોપીય સમુદાયના અન્ય દેશો અને વિશેષ તો અમેરિકા તદ્દન મૌન છે.  ભારતીય ક્ષેત્ર ઉપર પાકિસ્તાનનો આ અનધિકૃત કબજો છે તે વારંવાર ભારતે વિશ્વને ગાઈ-વગાડીને કહેવું જોઈએ. પાકિસ્તાન ઉપર આ પ્રકારનું દબાણ સતત વધતું રહેવું જોઈએ. અફઘાનિસ્તાન સાથે ભારતનો સીધો સંપર્ક નથી થઈ શકતો તેનું કારણ પણ એ છે કે આ ક્ષેત્ર ઉપર પાકિસ્તાનનો કબજો છે. અલબત્ત, ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનના ટાંટિયા ધ્રુજી ગયા હતા ત્યારે પણ ભારતમાં તો એવી ચર્ચા હતી કે આ વખતે તો પીઓકે લઈ જ લેશે. જો કે યુદ્ધ, આંતરરાષ્ટ્રીય નીતિ આ બધું બહુ મોટી વિચારણા માગી લેતા મુદ્દા છે.

પ્રજાને અત્યાચારથી બચાવવા અને આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે જે કંઈ કરવું પડે તે કરવું જ રહ્યું અને પઠાણકોટ-ઉરી, પહેલગામ પછી જે કાર્યવાહી થઈ તે જોતાં સરકાર એવું કરશે જ.

ઇ-પેપરના નવા શુલ્ક