ભારતની સર્વોચ્ચ અદાલતે એક ચુકાદો આપતા જણાવ્યું છે કે, ગૃહિણી એ ફક્ત હોમ મેકર નથી, ફક્ત ઘર ચલાવનાર વ્યક્તિ જ નથી પરંતુ તેનું ન દેખાતું યોગદાન રાષ્ટ્ર નિર્માણમાં છે. સુપ્રીમ કોર્ટની આ વાત સુવર્ણ અક્ષરે લખી લેવા જેવી છે. કોર્ટ ભલે ભારતની હોય, કિસ્સો પણ ભારતનો છે પરંતુ જગતભરની ત્રી શક્તિની આ કાનૂન ક્ષેત્ર દ્વારા થયેલી વિશિષ્ટ વંદના છે. ગૃહિણીઓ-મહિલાઓ તો આમાં રાજી થાય જ પરંતુ જે પુરુષો આ તત્વને અને મહિલાના મહત્વને સમજે છે તેમને પણ હૈયાના ઉમંગથી આ ચુકાદાને વધાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે, ઘરકામ કરતી મહિલા રાષ્ટ્ર નિર્માતા છે.
પ્રથમ
દૃષ્ટિએ કોઈને લાગે કે, આ ચુકાદો ભરણપોષણના કોઈ કેસનો હશે પરંતુ મુદ્દો અકસ્માત વળતરનો
છે. પંજાબમાં નવેમ્બર-2001માં રેશ્મા નામની એક મહિલાનું માર્ગ દુર્ઘટનામાં મૃત્યુ થયું
હતું. તેના પતિ અને ત્રણ બાળકોએ અકસ્માત વળતર પેટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ટ્રીબ્યુનલે
2003માં આપેલો ચુકાદો પરિવારને યોગ્ય ન લાગતા પુન: અપીલ થઈ હતી. હરિયાણા અને પંજાબ
હાઈકોર્ટે 2024માં પરિવારને આખરે 8 લાખ રૂપિયા ચુકવવા આદેશ કર્યો હતો. પરિવારે સર્વોચ્ચ
અદાલતમાં અપીલ કરી હતી. જેનો ચુકાદો આજે આવ્યો છે. પરિવારને માત્ર વળતર જ મળ્યું છે
એવું નથી આ ચુકાદાના માધ્યમથી દેશભરની ગૃહિણીઓને, જે દરરોજ સવારે સૂરજ ઉગવા પહેલાથી
ઘરનું કામ કરે છે અને મધરાત સુધી પરિવારની સંભાળ લે છે તેવી દરેક ત્રીને સન્માન પ્રાપ્ત
થયું છે.
સર્વોચ્ચ
અદાલતની જસ્ટીસ સંજય કરોલ અને જસ્ટીસ એન.કે.સિંહની બેંચે કહ્યું કે, એક ગૃહિણી માણસ
અને રાષ્ટ્ર બંનેના વિકાસમાં પોતાનું યોગદાન આપતી હોય છે. કોઈપણ માર્ગ દુર્ઘટનાના કિસ્સામાં
હવે પછી ગૃહિણીને જે વળતર ચુકવવામાં આવે તે તેનું મૂલ્ય ઓછામાં ઓછું માસિક રૂા.30000
રહેશે. ગૃહિણીને હોમ મેકર તરીકે ઓળખવામાં આવે છે પરંતુ તે ભાવિ પેઢીનું નિર્માણ અને
સમાજનો વિકાસ કરવામાં યોગદાન આપે છે. લાંબા સમય સુધી રજા લીધા વગર આખો દિવસ ઘરના સદસ્યોની
સાર-સંભાળ ઘરની વહુ લ્યે છે તેના કામનું કોઈ આર્થિક મૂલ્ય નથી. પત્ની નોકરાણી નથી પરંતુ
જીવનસાથી છે અને પતિ જો ઘરકામ કરે તો તે ક્રૂરતા નથી તેવું કોર્ટ અગાઉ પણ કહી ચૂકી
છે. જે ચુકાદો સર્વોચ્ચ અદાલતે આપ્યો છે તેમાં અગત્યનું એ છે કે અત્યાર સુધી દેશની
કોર્ટો અને એક્સિડન્ટ ટ્રીબ્યુનલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ગૃહિણીઓનું વળતર નક્કી કરવા
માટે કાલ્પનિક આવકને આધાર માનતી હતી. રાજ્યના લઘુતમ પગારને તેનો માપદંડ ગણવામાં આવતો
હતો. હવે આ જૂની પદ્ધતિને દૂર કરીને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ઘરેલુ કામ અને પરિવારની
સંભાળને આર્થિક અને સામાજિક કિંમતની રીતે જોવા જોઈએ તેની તુલના માત્ર શ્રમિકોને અપાતા
વેતન સાથે થાય નહીં. ભલે ગૃહિણીને કોઈ વેતન મળતું ન હોય પરંતુ તેનું યોગદાન અમૂલ્ય
છે. સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યોના મુખ્ય ન્યાયાધીશોને આવા મામલામાં અંગત રસ લેવાની
અને પ્રશાસનિક માર્ગદર્શન જાહેર કરી નિશ્ચિત સમયમાં આ કિસ્સાનો ઉકેલ લાવવાનો અનુરોધ
પણ કર્યો છે. આવા કિસ્સામાં વળતર ચુકવવાનો નિર્ણય અને અમલ એક વર્ષની અંદર થઈ જવો જોઈએ
તેવું પણ કહ્યું છે. દેશની વિવિધ અદાલતો દરરોજ અનેક કેઈસના ચુકાદા આપે છે. આમ તો આ
અકસ્માત વળતરનો મામલો હતો પરંતુ કોર્ટે અહીં નારીના યોગદાનને કેન્દ્રમાં રાખ્યું છે.
‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે રમન્તે તત્ર દેવતા:’, મનુ સ્મૃતિના આ શ્લોકનો ધ્વનિ સર્વોચ્ચ
અદાલતના આ ચુકાદામાં પડઘાય છે.