• સોમવાર, 15 જૂન, 2026

બ્રિટિશ સેનાનું મોટું ઓપરેશન : પહેલીવાર બ્રિટિશ ચેનલમાં રશિયાનું ઓઇલ ટેન્કર જપ્ત

યુક્રેન યુદ્ધમાં રશિયાનું નાણા ભંડોળ અવરોધવાનો ઉદ્દેશ : જહાજને યુદ્ધ જહાજો અને હેલિકોપ્ટરની મદદથી રોક્યું : રશિયા ભડકશે

નવીદિલ્હી, તા.14 : યુક્રેન યુદ્ધમાં રશિયાનું નાણાભંડોળ અવરોધવાનાં ઉદ્દેશથી બ્રિટિશ સેનાએ એક મોટું અભિયાન ચલાવતા પહેલીવાર ઇંગ્લિશ ચેનલમાં રશિયાનું એક ગુપ્ત ઓઇલ ટેન્કર સ્માયર્ટોસને રોકીને જપ્ત કરી લીધું છે. જેને પગલે રશિયા ભડકશે તે નક્કી છે.

બ્રિટનનાં સમુદ્રી ક્ષેત્રમાં આશરે છ કલાક ચાલેલાં આ ઓપરેશન દરમિયાન રોયલ મરીન કમાન્ડો અને રાષ્ટ્રીય અપરાધ એજન્સીના અધિકારીઓએ આ જહાજ ઉપર ધોંસ બોલાવી હતી. રશિયાનાં આ જહાજ ઉપર ચિનૂક હેલિકોપ્ટર અને અન્ય યુદ્ધ વિમાનોનો ઉપયોગ કરીને કબજો કરવામાં આવ્યો હતો.

બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, એક સફળ ઓપરેશનમાં રશિયાને એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. યુક્રેનમાં પુતિનનાં યુદ્ધને હવા આપનારા લોકોને આ યાદ અપાવશે કે અમે કોઈને છૂપાવા દેશું નહીં.  આ ઓપરેશન બાદ બ્રિટન તરફથી અધિકૃત સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ટેન્કરને ઇંગ્લેન્ડના દક્ષિણ તટ પાસે સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યું છે. જ્યાં તેની તપાસ કરવામાં આવશે અને તેના ઉપર નજર પણ રખાશે. આ ઓપરેશન ફ્રાન્સ સાથે કરીબી તાલમેલથી પાર પાડવામાં આવ્યું હતું.

પોતાના દેશમાં નેતૃત્વના પડકારો સામે ઝઝૂમી રહેલા અને સૈન્ય ખર્ચના વિવાદમાં પોતાના રક્ષા મંત્રીનો સાથ ગુમાવી દેનાર પ્રધાનમંત્રી સ્ટાર્મરે માર્ચમાં જ બ્રિટિશ સેનાને રશિયાનાં જહાજો સામે કાર્યવાહી કરવા અને તેને રોકવાની અનુમતી આપી દીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક