• સોમવાર, 15 જૂન, 2026

હોર્મુઝ ખૂલશે, છૂટ્ટા થશે ઈરાનનાં અટવાયેલા 25 અબજ ડોલર

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી હાથવેંતમાં : કરારના અંતિમ મુસદ્દાની જોગવાઈઓ થઈ જાહેર

અમેરિકા ઈરાન ઉપર કોઈ નવા પ્રતિબંધ નહીં લાદે, ઈરાન અણુશત્ર મેળવવાના પ્રયાસ નહીં કરે

નવીદિલ્હી, તા.14: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા માટેનો શાંતિ કરાર હાથવેંત દેખાતા આ યુદ્ધનાં કારણે ઊર્જા અને આર્થિક સંકટમાં મુકાઈ ગયેલી દુનિયા રાહતનો દમ ભરી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિ સમજૂતી રવિવારે સંપન્ન થઈ જવાનો દાવો કર્યો હતો. જો કે દર વખતની જેમ ઈરાને આ બાબતે છેલ્લી ઘડી સુધી મગનું નામ મરી પાડયું નથી અને સમજૂતી ઉપર હસ્તાક્ષર ક્યારે થશે તેનો કોઈ ફોડ નહીં પાડતાં છેલ્લી ઘડીએ આમાં કોઈ અડચણ ઉભી થવાની આશંકા પણ પૂર્ણ પણે અલોપ થઈ નથી.

અમેરિકા અને ઇરાન વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી ચાલતા રાજદ્વારી ગતિરોધ અને તણાવ સમાપ્ત થવાની આરે છે ત્યારે મળતા અહેવાલો અનુસાર શાંતિ કરારનો વિગતવાર અને અંતિમ ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે, જેમાં પરમાણુ કાર્યક્રમ, ઓઇલ નિકાસ, હોર્મુઝ જળમાર્ગની સુરક્ષા, સ્થગિત સંપત્તિઓની મુક્તિ અને પ્રાદેશિક સ્થિરતા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર વ્યાપક સહમતી બની ગઈ હોવાનું કહેવાય છે.

અહેવાલો અનુસાર તેમાં ઇરાનના પરમાણુ કાર્યક્રમ પર કડક નિયંત્રણ, હોર્મુઝ જળમાર્ગને આંતરરાષ્ટ્રીય વેપાર માટે સંપૂર્ણ રીતે ખુલ્લો મૂકવો અને અમેરિકી પ્રતિબંધોમાં રાહત જેવી મહત્ત્વપૂર્ણ જોગવાઈ આમાં સામેલ છે. કરાર પર ઔપચારિક હસ્તાક્ષર થયા બાદ બન્ને પક્ષ 60 દિવસની અંદર અંતિમ અને સંપૂર્ણ કરાર અંગે વિગતવાર ચર્ચા કરશે.

ઇરાની અધિકારીએ ડ્રાફ્ટની મુખ્ય બાબતો જાહેર કરતાં જણાવ્યું હતું કે ઇરાન તરત જ તમામ વ્યાપારી જહાજો માટે હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણ રીતે ખોલી દેશે. તેના બદલામાં અમેરિકા ઇરાની બંદરો પરની પોતાની નૌકાદળ નાકાબંધી અને સૈન્ય હાજરી તરત જ હટાવી લેશે. બન્ને પક્ષો આ વિસ્તારમાં સમુદ્રી સુરક્ષા અને જહાજરાણીની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે સંયુક્ત વ્યવસ્થા વિકસાવવા પર સંમત થયા છે.

અમેરિકી પ્રતિબંધોથી પ્રભાવિત ઇરાની અર્થવ્યવસ્થાને રાહત મળશે. અંતિમ કરાર સુધી અમેરિકા ઇરાન પર કોઈ નવો આર્થિક કે નાણાકીય પ્રતિબંધ લાદશે નહીં. સાથે જ તેલ નિકાસ પરના પ્રતિબંધો નિર્ધારિત સમયગાળા માટે સંપૂર્ણપણે હટાવી લેવામાં આવશે, જેથી ઇરાન આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ વેચી શકશે. અમેરિકા ઇરાનની આશરે 25 અબજ ડોલરની સ્થગિત સંપત્તિઓને તબક્કાવાર મુક્ત કરવા માટે પણ સંમત થયું છે. તેમાં સીધું રોકડ હસ્તાંતરણ, કતાર અને ઓમાન જેવા પ્રાદેશિક દેશો મારફતે સહયોગ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ધિરાણ વ્યવસ્થાનો સમાવેશ થાય છે.

બન્ને દેશો વચ્ચેના સૌથી વિવાદાસ્પદ મુદ્દા પર પણ સહમતી થઈ ગઈ છે. ઇરાને લેખિત ખાતરી આપી છે કે તે પરમાણુ હથિયારો વિકસાવશે નહીં અને તેને મેળવવાનો કોઈ પ્રયાસ કરશે નહીં. અંતિમ કરાર સુધી ઇરાન પરમાણુ સ્થિતિ યથાવત્ રાખશે, એટલે કે નવું યુરેનિયમ સંવર્ધન નહીં કરે, હાલની સુવિધાઓનો વિસ્તાર નહીં કરે અને નવા સેન્ટ્રિફ્યુજ સ્થાપિત નહીં કરે. ઇરાન પોતાના પાસે રહેલા અત્યંત સમૃદ્ધ યુરેનિયમના જથ્થાને નોંધપાત્ર રીતે ઘટાડવા માટે પણ સંમત થયું છે. તેની ચકાસણી યોગ્ય પ્રક્રિયા અંગે 60 દિવસની અંદર ચર્ચા કરવામાં આવશે. અમેરિકા ઇરાનના શાંતિપૂર્ણ નાગરિક પરમાણુ કાર્યક્રમને માન્યતા આપવા અને ઈંઅઊઅ સાથે સંપૂર્ણ સહકાર સુનિશ્ચિત કરવાનો વાયદો કરશે.

ડ્રાફ્ટમાં પ્રાદેશિક સ્થિરતા અને દ્વિપક્ષીય સંબંધોના સામાન્યકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. કરાર બાદ ઇરાન પ્રાદેશિક પ્રોક્સી જૂથોને આપતા સમર્થનમાં ઘટાડો કરશે, જ્યારે અમેરિકા ઇરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાની ધમકીઓ બંધ કરશે. બન્ને દેશો ભવિષ્યમાં વેપાર, ઊર્જા અને ટેક્નોલોજી ક્ષેત્રે સહકાર વધારવા પર પણ વિચાર કરશે. બીજી તરફ નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રગતિ મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલતા તણાવને ઘટાડવાની દિશામાં એક મોટું પગલું છે. જોકે, અંતિમ કરાર પર હસ્તાક્ષર હજુ બાકી છે અને તે પ્રાદેશિક સહયોગીઓ (સાઉદી અરેબિયા, ઇઝરાયેલ વગેરે)ની પ્રતિક્રિયાઓ તથા ચકાસણી પ્રક્રિયા પર નિર્ભર રહેશે. હજુ સુધી અમેરિકી પ્રશાસન અને ઇરાની સરકારે આ ડ્રાફ્ટ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.

હોર્મુઝમાં ફરી ભારતીય નાવિકો સાથેના જહાજ ઉપર હુમલો

નવી દિલ્હી, તા. 14 : અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝમાં યુદ્ધનો માહોલ છે. આ દરમિયાન તણાવની સૌથી વધારે અસર ભારતીય નાવિકો ઉપર પડી રહી છે. હોર્મુઝમાં સતત ભારતીય નાવિકો સાથેના જહાજને નિશાને લેવામાં આવતા ભારત દ્વારા અમેરિકા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જો કે હુમલા બંધ થવાનું નામ લઈ રહ્યા નથી. હવે હોંગકોંગના ધ્વજ ધરાવતા ઓઈલ અને રસાયણ ટેંકર બોકેમ મરેંગો ઉપર ડ્રોન હુમલો થયો હતો. આ જહાજ પુરી રીતે ભારતીય નાવિકો દ્વારા સંચાલિત હતું. હુમલામાં જહાજને નુકસાન પહોંચ્યું હતું પણ તમામ ક્રૂ સુરક્ષિત હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક