• સોમવાર, 15 જૂન, 2026

રાજકોટનાં બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળક ફરાર

પોલીસ સહિતના તંત્રમાં દોડધામ : સીસીટીવી કેમેરો અને લોખંડની મજબૂત જાળી તોડી બાળકો નાસી છૂટયાં : નાસ્યા બાદ ગૃહમાં પરત ફરેલા પાકિસ્તાની બાળકે પ્લાનિંગનો ભેદ ખોલ્યો, રાત સુધીમાં 5 ઝડપાયા, હજુ 6 ફરાર

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.14 : શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસે આવેલાં બાળ સંરક્ષણ ગૃહમાં કાયદાના સંઘર્ષમાં આવેલાં 11 બાળકો સવારે 9.15 વાગ્યેના સમયે સીસીટીવી કેમેરા અને પાછળની મજબૂત લોખંડની જાળી તોડીને ભાગી ગયાં હતાં. કડક સિક્યુરિટી વચ્ચે બાળ આરોપીઓ નાશી જતાં પોલીસ સહિતનાં તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશ અને ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ હાથ ધરી હતી. જેમાં 5 બાળકોને પોલીસના કાફલાએ ઝડપી પાડયા હતા. આ ઘટનાને પગલે ઓબ્ઝર્વેશન હોમની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉઠયા છે.

સાતથી અઢાર વર્ષની વયના કાયદાના સકંજામાં આવેલાં બાળકો માટેના આ હોમમાં હાલ કુલ 55 બાળક સ્થાયી હતાં, પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, નાસી છૂટેલાં 11 બાળક બે ગ્રુપ બનાવી પૂર્વ આયોજિત કાવતરું રચી નાસી છૂટયાં હતાં, જેમાં 6 બાળક  એક ગ્રુપમાં અને અન્ય 5 બાળક બીજા ગ્રુપમાં ભાગ્યાં હતાં. જોકે, આશ્ચર્યજનક રીતે ભાગેલાં બાળકો પૈકીનો એક પાકિસ્તાની સગીર આરોપી જાતે જ પરત ફરી આવ્યો હતો જ્યારે બાકીનાં 10 બાળકો હજુ પણ ફરાર હતા. ડીસીપી બાંગરવા દ્વારા અલગ અલગ 11 ટીમોને દોડતી કરવામાં આવી હતી. તેમાં ભાગેલા 11 પૈકી 5 બાળકોને રાજકોટ, લીંબડી તેમજ વિરમગામ નજીકથી ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી બાળ સંરક્ષણ ગૃહમાં પરત લાવવામાં આવ્યા છે. ડીસીબી બાંગરવાએ જણાવ્યું હતું કે, હજુ  ફરાર બાળ આરોપીને ઝડપી પાડવા બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે.

બાળ આરોપી ભાગવાની આગલી રાત્રે જ સગીરોએ બાળ સંરક્ષણ ગૃહમાં ધમાલ મચાવી હતી. જે અંગે રાજકોટના પાળ રોડ પર સંસ્કાર સોસાયટીમાં રહેતા અને 5 વર્ષથી ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ બાળ અદાલતમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર કાઉન્સેલર તરીકે ફરજ બજાવતા સાગરભાઈ દિલીપભાઈ શુક્લાએ બાળકોના ભાગી ગયા પછી એ ડિવી.પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, પોતે 6 મહીનાથી વધારાના ઓફિસર ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે અને ગઈકાલે જાહેર રજા હોય તેથી રાત્રિના સરકારી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રમણિકભાઈ લીંડીયાનો ફોન આવેલો અને જણાવ્યું હતું કે, અહીંયા બાળકો એસઆરપી જવાન સાથે ઝઘડો કરી મારકુટ કરી અને સંસ્થાના સામાનની તોડફોડ કરી રહ્યા છે. ફોન આવતા જ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અંદર જોતા બધો સામાન વેરવિખેર પડેલો હતો. જે બાબતે રમણિકભાઈને પુછતા તેણે જણાવ્યું હતું કે, પ્રાઈવેટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા ટીડાભાઈ બાંભવા બાળકોને તેના વાલી સાથે લેન્ડલાઈનમાં વાત કરાવતા હતા અને સમય પુરો થતા બાળકોને ફોન મુકવાનું કહેતા ઉશ્કેરાયેલા બાળકે અન્ય સગીરોને બોલાવી જીમના ડંબલ્સ, ક્લાસરૂમની બેંચીસ, ટયુબલાઈટના ધોકા, 5 ખુરશી, 6 સીસીટીવી કેમરા, 10 પંખા વગેરે મળીને રૂા.30,000નું નુક્સાન કર્યું હતું. જ્યારે તોડફોડનો અવાજ આવ્યો ત્યારે એસઆરપીના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા ત્યાં હાજર હતા અને તેને બાળકોને રોકતા બાળકોએ તેને માર માર્યો હતો અને બાળ આરોપીઓ ત્યાંથી પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા. ઘટના અંગેની ફરિયાદ પરથી એ ડિવી.પોલીસે મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પીએસઆઈ મોવલીયા અને તેની ટીમને તપાસ સોંપી હતી.

અગાઉ બાળ સંરક્ષણ ગૃહમાં પોલીસમેનની હત્યાના ગુનેગાર પાસેથી બે મોબાઇલ, ચાર સીમકાર્ડ, દારૂ, ગાંજો સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી હતી

રાજકોટ શહેરમાં ફાટીને ધુમાડે ગયેલા કુખ્યાત બાળ આરોપીઓને સુધારવા માટે બાળ સંરક્ષણ ગૃહમાં ધકેલી દેવામાં આવતાં હોય છે પરંતુ અહીંયા તે સુધારવાને બદલે વધુ બગડતા હોય તેવું સાબિત થઈ રહ્યું છે. ભૂતકાળમાં ભરતદાન ગઢવી નામના પોલીસમેનની હત્યાના ગુનામાં પેંડાનો સાગરીત બાળ સંરક્ષણ ગૃહમાં સજા ભોગવતો હતો. કુખ્યાત બાળ આરોપી અન્ય બાળ આરોપીઓને હેરાન કરતો હોય તેમજ દારૂ અને ગાંજાનું સેવન કરતો હોય અને ગૃહમાં જ મોબાઇલનો પણ ઉપયોગ કરતો હોવાની માહિતી મળતા ગત તારીખ 12-04-2018ના રોજ અધિકારીઓએ બેરેકમાં જડતી લેતા ભોજનાલય પાસે આવેલા ખાડામાંથી બે મોબાઇલ, ચાર્જર, ચાર સીમકાર્ડ તેમજ થોડે દૂરથી બીજા એક ખાડામાંથી એક ગાંજાની પડીકી અને એક તમાકુની પડીકી અને રેકોર્ડ રૂમમાંથી 200 એમએલ દારૂ મળી આવતા તમામ પ્રતિબંધિત વસ્તુઓ કબજે કરી હતી અને આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો હતો.

બાળ સંરક્ષણ ગૃહના વોર્ડને મૌન સેવ્યું, કર્મચારીઓની તપાસ ક્યારે ?

જેમની જવાબદારી આ બગડેલાં બાળકોને સુધારી યોગ્ય રસ્તે વાળવાની છે તેવાં બાળ સંરક્ષણ ગૃહના વોર્ડનની નજર ચૂકવીને પ્રી પ્લાનિંગ કરી એક સાથે 11 બાળક નાસી ગયાં હતા. તેમાંથી રાજકોટ, લીંબડી અને વિરમગામ નજીકથી 5 બાળકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.  ત્યારે વોર્ડનને આ અંગે પ્રશ્ન પૂછતા તેમણે મૌન સેવ્યું હતું, તેમણે ગૃહમાં કેટલા કેમેરા, કેટલો સ્ટાફ છે તેવી સામાન્ય જાણકારી આપવાની પણ ના પાડી દીધી હતી અને ફરિયાદ બાદ જ બધી વિગતો આપશું તેવું જણાવ્યું હતું. પોલીસ દ્વારા તમામ પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે બાળ સંરક્ષણ ગૃહના વોર્ડન સહિતના સ્ટાફની પોલીસ સઘન પૂછપરછ કરશે.

લોખંડની મજબૂત જાળી તોડી દીવાલ કૂદ્યા

આ ઘટના અંગે જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે આ ઘટના સામાન્ય નથી. સમગ્ર ઘટના પૂર્વ આયોજિત કાવતરું છે. જેમાં બાળકોએ ત્રણ રૂમની ઉપર આવેલો કેમેરો પણ તોડી નાખ્યો હતો. જેને લીધે તેની ગેરકાયદે હિલચાલ કેમેરામાં કેદ થાય નહીં અને ભાગતા પહેલાં ચાલબાઝ બાળકોએ એક બાળકનો સહારો લીધો હતો. તે બાળક અચાનક કંઈક વાગ્યું હોવાના ઢોંગ કરતો રહે અને વોર્ડનનું ધ્યાન તેના પર આકર્ષાય તેથી પાછળના ભાગેથી બીજાં બાળકો લોખંડની જાળી તોડીને ભાગવામાં સફળ રહે. નાસી છુટેલાં બાળકોમાંથી એક પાકિસ્તાની બાળક વિસ્તારમાં અજાણ્યો હોવાથી પરત ફર્યો હતો જ્યારે અન્ય 10 બાળક ફરાર થવામાં સફળ રહ્યાં હતા.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક