જામ ખંભાળિયા, તા.29 : દ્વારકા
જિલ્લાના કલ્યાણપુરના પિંડારા ગામના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા બે તબક્કામાં રૂ.5
કરોડ ફાળવવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર
તાલુકાનું પિંડારા ગામ જે પાંડવો દ્વારા તેમના પૂર્વજોના પિંડ તારવાના પ્રસંગ સાથે
સંકળાયેલું છે. આદિ ઋષિ દુર્વાસાનો આશ્રમ, પ્રસિદ્ધ મલ્લકુસ્તીનું સ્થળ, દરિયા તટનું
સ્થળ, મહાપ્રભુજીની બેઠકનું સ્થળ તથા દુર્વાસા તપ કરતા તે હજારો વર્ષ પુરાણા રાણનાં
વૃક્ષનું સ્થળ હોય તાજેતરમાં આ સ્થળની મુલાકાત લેતા ખંભાળિયાના અગ્રણી હિતેન્દ્રભાઈ
આચાર્ય દ્વારા પ્રવાસન સ્થળ તરીકે આ સ્થળને વિકસાવાય તો રોજ હજારો યાત્રિકો દ્વારકા
તથા બેટ દ્વારકા જાય છે. તેઓ પ્રાચીન ઐતિહાસિક પિંડારાની પણ મુલાકાત લઈ શકે. આ બાબતે
અગ્રણીઓ દ્વારા રાજ્યમંત્રી મૂળુભાઈનું ધ્યાન દોરતા મૂળુભાઈ દ્વારા આ સ્થળને રાજ્ય
સરકાર દ્વારા ઐતિહાસિક મહત્ત્વ જાણીને રૂ.5 કરોડના ખર્ચે વિકાસનું આયોજન કર્યાનું જાહેર
કર્યું છે.
પ્રથમ તબક્કામાં બે કરોડ અને
પછી ત્રણ કરોડ એમ બે તબક્કામાં આ સ્થળનો વિકાસ થશે. પ્રાચીન ઐતિહાસિક વસ્તુઓનું મહત્ત્વ
સમજાય તેવી જાળવણી યાત્રિકો માટેની સુવિધા બાગ બગીચા, કુંડ પિંડતારકનું વિશેષ ધ્યાન
રાખી કામગીરી કરવા આયોજન થતા દ્વારકા જિલ્લામાં પ્રવાસ પર્યટનને વધુ એક ઐતિહાસિક સ્થળ
મળી રહેશે.